અમદાવાદમાં ઘુસાડવામાં આવતું હતું લાખોનું ડ્રગ્સ? જાણો કોણ છે MD ડ્રગ્સ સાથે પકડાયેલા રામપાલ અને મહેન્દ્ર બિશ્નોઈ...
અમદાવાદ શહેરમાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે, જે અંતર્ગત શહેરના નરોડા-નિકોલ રોડ પરથી બે શખ્સોને લાખોની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
DCP ઝોન 4, અતુલ કુમાર બંસલ
આ સમગ્ર મામલે DCP ઝોન 4, અતુલ કુમાર બંસલે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નરોડા-નિકોલ રોડ પર બે શખ્સો શંકાસ્પદ હાલતમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, જ્યાં રામપાલ બિશ્નોઈ અને મહેન્દ્ર બિશ્નોઈ નામના બે શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ બંને આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી 27 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે 84,000 રૂપિયા જેટલી અંકાય છે. પોલીસ દ્વારા ડ્રગ્સ ઉપરાંત અન્ય સામગ્રી મળીને કુલ 1,24,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે અને હાલમાં અમદાવાદના દસ્ક્રોઈ વિસ્તારમાં સાથે રહીને મજૂરી કામ કરતા હતા. જોકે, ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તેઓ આ નશાના કાળા કારોબારમાં ધકેલાયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ MD ડ્રગ્સનો જથ્થો તેઓ રાજસ્થાનના જોધપુરથી લાવ્યા હતા અને અમદાવાદમાં તેનું વેચાણ કરવાની પેરવીમાં હતા. જોકે, આ આરોપીઓનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ તેઓ આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને અન્ય કોણ કોણ આ રેકેટમાં સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. 
પોલીસની સતર્કતાને કારણે ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનથી ડ્રગ્સ લાવવામાં આવ્યું હોવાની કબૂલાત બાદ હવે પોલીસ તે લિંક શોધી રહી છે કે જ્યાંથી આ નશાનો સામાન સપ્લાય કરવામાં આવ્યો હતો. શહેરમાં નશાના નેટવર્કને તોડી પાડવા માટે આગામી સમયમાં વધુ કડક તપાસ કરવામાં આવશે તેવો સંકેત પણ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.