ચોરી કરવાની આવી રીત ક્યારેય નહીં જોઈ હોય! અમદાવાદમાં ફ્લાઈટમાં સફર કરી મોબાઈલ ચોરી કરવા આવતી ઝારખંડની ગેંગનો પર્દાફાશ, 2 આરોપી પોલીસના સકંજામાં....
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પોલીસે એક એવી હાઈટેક ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે, જેમના ગુના કરવાની પદ્ધતિ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. ઝારખંડથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા મુસાફરી કરીને અમદાવાદ આવતી આ ગેંગે શહેરના વ્યસ્ત વિસ્તારો અને ખાસ કરીને IPL મેચ જેવી મોટી ઈવેન્ટ્સને પોતાનું લક્ષ્ય બનાવી હતી. અગાઉ ફેબ્રુઆરીમાં પકડાયેલા અમિત અને બાદલ મહંતોની કડક પૂછપરછના આધારે પોલીસે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. ઓઢવ પોલીસે રઘુ અને વિક્રમ નામના બે રીઢા ગુનેગારોને 21 મોંઘાદાટ મોબાઈલ ફોન સાથે દબોચી લીધા છે. આ ગેંગ ઝારખંડના સાહેબગંજ જિલ્લાના મહારાજપુર અને નાયતુલા ગામથી કાર્યરત હતી અને અત્યાર સુધીમાં દેશના અલગ-અલગ શહેરોમાં તેમની સામે 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જે તેમની ગુનાહિત માનસિકતાનો પુરાવો આપે છે.
કઈ રીતે કરતાં કામ?
આ ગેંગની સૌથી ચોંકાવનારી બાબત તેમની 'મોડસ ઓપરેન્ડી' છે, જેમાં તેઓ પકડાઈ ન જવા માટે અત્યંત આધુનિક અને વિચક્ષણ તરકીબો અપનાવતા હતા. આ શખ્સો ચોરીના કામ માટે નાના બાળકો એટલે કે 'ટેણીયાઓ'ને સાથે રાખતા હતા, જેથી ભીડમાં કોઈને તેમના પર શંકા ન જાય. ચોરી કરતી વખતે તેઓ 'થ્રી-લેયર' સુરક્ષા કવચ બનાવતા હતા, જેમાં એક વ્યક્તિ ફોન ખેંચે, બીજી વ્યક્તિને તુરંત પાસ કરે અને ત્રીજી વ્યક્તિ તે લઈને રફુચક્કર થઈ જાય. આના કારણે જો મુખ્ય ચોર પકડાઈ જાય તો પણ તેની પાસેથી કાંઈ મળી આવતું નહોતું. આટલું જ નહીં, તેઓ ખાસ ખાનાવાળી બનિયાન પહેરતા અને ચોરી કરેલા ફોનનું લોકેશન ટ્રેસ ન થાય તે માટે તેને તુરંત સિલ્વર ફોઈલમાં લપેટી દેતા હતા. આરોપીઓના જણાવ્યા મુજબ, સિલ્વર ફોઈલને કારણે મોબાઈલના સિગ્નલ બ્લોક થઈ જાય છે અને ફોન કરનારને મોબાઈલ બંધ હોવાનું સંભળાય છે, જેથી પોલીસ કે માલિક તેને ટ્રેક કરી શકતા નથી.
અમદાવાદ જ નહીં બીજા શહેરોમાં પણ આતંક મચાવ્યો
આ ગેંગે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ બેંગલોર જેવા શહેરોમાં પણ આતંક મચાવ્યો હતો. ખાસ કરીને IPLની સીઝન દરમિયાન સ્ટેડિયમની બહાર અને મેટ્રો સ્ટેશનની ભીડનો તેમણે પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હતો. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ, કાલુપુર રેલવે સ્ટેશન તેમજ મહેસાણા અને આણંદ જેવા વિસ્તારોમાં પણ તેમણે અનેક લોકોના ખિસ્સા હળવા કર્યા હતા. જો ફોન અનલોક હોય તો આ શખ્સો ગૂગલ પે મારફતે નાણાંની ચોરી કરતા પણ અચકાતા નહોતા. ચોરેલા ફોન તેઓ મુંબઈના બજારમાં અથવા ઝારખંડના ગુજરી બજારમાં મજૂરોને સસ્તા ભાવે પધરાવી દેતા હતા, અને જે ફોન અનલોક ન થાય તેના સ્પેરપાર્ટ્સ છૂટા પાડીને વેચી દેતા હતા. હાલ પોલીસ આ ગેંગના અન્ય સાગરીતો અને બાકીના ચોરાયેલા મોબાઈલના અસલી માલિકોને શોધવા માટે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.