અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો જંગ : મનપાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, દાવેદારોમાં ભારે ઉત્સાહ...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે રાજ્યની સૌથી મોટી એવી અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો ફરી હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ કમર કસી લીધી છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે, 2 એપ્રિલના રોજ શહેરના 48 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરાયેલા કુલ 21 નિરીક્ષકોની ટીમ શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ઝોનના કુલ સાત નિર્ધારિત સ્થળો પર બે દિવસ સુધી બેઠક યોજશે અને ટિકિટની આકાંક્ષા રાખતા કાર્યકર્તાઓ તેમજ નેતાઓને રૂબરૂ સાંભળશે.
આ પ્રક્રિયાના પ્રથમ દિવસે જોધપુર, ચાંદખેડા, દરીયાપુર, નરોડા, અમરાઈવાડી-ઇન્દ્રપુરી અને ભાઈપુરા-હાટકેશ્વર સહિતના 24 વોર્ડના દાવેદારોને સાંભળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ આગામી સમયમાં પ્રદેશ નેતાગીરીને સોંપવામાં આવશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે.
આ સેન્સ પ્રક્રિયાને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો, ઉપ-પ્રમુખો, શહેર કારોબારીના સભ્યો અને સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પોતપોતાના બાયોડેટા અને ફોર્મ સાથે ઉમટી પડ્યા છે. ખાસ કરીને ચાંદલોડિયા વોર્ડમાં ટિકિટ મેળવવા માટે જાણે હોડ જામી હોય તેમ અત્યાર સુધીમાં 20થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર રાજેશ્વરી પંચાલ અને રાજેશ્રી પટેલે પણ ફરી એકવાર પક્ષ પાસે પ્રતિનિધિત્વની માંગ કરી છે.
જોકે, સવારના સમયે કેટલીક જગ્યાએ નિરીક્ષકો સમયસર ન પહોંચતા પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો, પરંતુ નારણપુરાની ખેતી બેંક જેવા કેન્દ્રો પર સવારથી જ કાર્યકર્તાઓની લાંબી કતારો જોવા મળી હતી. ભાજપ આ વખતે યુવા ચહેરાઓ અને જમીની સ્તરના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપે છે કે પછી અનુભવીઓને જ મેદાનમાં ઉતારે છે, તેના પર સૌની નજર ટકેલી છે. આ બે દિવસીય પ્રક્રિયા બાદ જ અમદાવાદના રાજકીય ફલક પર ચિત્ર સ્પષ્ટ થશે.