અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર બેફામ દોડતા બુલેટે એક્ટિવાને ઉડાવ્યું, યુવક લોહીલુહાણ
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ રોડ પર પૂરઝડપે દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો છે. બેફામ ગતિએ આવતા એક બુલેટ સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર યુવક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકોની ઓળખ વિજયસિંહ પરમાર અને શૈલેષ તરીકે થઈ છે. આ બંને યુવકો સ્થાનિક હોટલમાં કામ કરે છે અને કામકાજ અર્થે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા.
બુલેટની ટક્કર એટલી જોરદાર હતી કે વિજયસિંહને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તે સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બુલેટ બાઈકનો ચાલક સ્ટેડિયમ રોડ પર અત્યંત પૂરઝડપે બાઈક હંકારી રહ્યો હતો. તેણે એક્ટિવાને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે એક્ટિવા અને બુલેટ બંને રોડ પર સ્લિપ થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સંભાળ્યા હતા.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત વિજયસિંહ પરમારને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિજયસિંહની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે અને તે હજુ પણ બેભાન હોવાનું જાણવા મળ્યું છે. અન્ય યુવક શૈલેષ અને બુલેટ સવારને પણ સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માતની જાણ થતા જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનો અને સાથી મિત્ર શૈલેષની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. બેદરકારીપૂર્વક વાહન ચલાવી અન્યની જિંદગી જોખમમાં મૂકવા બદલ બુલેટ ચાલક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.