અમદાવાદ ન્યુ રાણીપ : બાથરૂમમાં ચક્કર આવ્યા હોવાનું કહી પતિએ ઘડેલી વાર્તા PM રિપોર્ટમાં ખોટી પડી, પત્નીની ગળે ટૂંપો દઈ કરાયેલી હત્યા સામે આવી...
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ગત 4 એપ્રિલના રોજ બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. વર્ષ 2022માં જેની સાથે સાત ફેરા ફરીને પ્રેમલગ્ન કર્યા હતા, તે જ પત્ની કોમલની તેના પતિ હર્ષ પ્રજાપતિએ નિર્મમ હત્યા કરી નાખી. શરૂઆતમાં આ મામલો કુદરતી મૃત્યુનો હોવાનું જણાવી હર્ષે પોલીસ અને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવી વાર્તા ઘડી હતી કે કોમલ બાથરૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેને અચાનક ચક્કર આવ્યા અને ઉલટીઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું છે. જોકે, પરિવારને શંકા જતાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે કોમલનું મોત ચક્કર આવવાથી નહીં, પરંતુ ગળે ટૂંપો આપવાને કારણે ગૂંગળામણથી થયું હતું.
મૃતક કોમલના પિતા
આ કરુણ હત્યા પાછળ પતિના અનૈતિક સંબંધો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. મૃતક કોમલના પિતા ઈશ્વરભાઈએ પોલીસ સમક્ષ હૈયું ઠાલવતા જણાવ્યું હતું કે, હર્ષને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હતા. આ વાતની જાણ કોમલને થઈ ગઈ હોવાથી ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. હર્ષ બીજી પત્ની લાવવા માટે મક્કમ હતો અને તે માટે તે સતત કોમલ પર છૂટાછેડા આપવા દબાણ કરતો હતો.
જ્યારે કોમલે હા ન પાડી ત્યારે હર્ષે તેને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર કાવતરું ઘડ્યું. માસૂમ દીકરાની માતા એવી કોમલને જરા પણ અંદાજ નહોતો કે જેની સાથે તેણે જીવન જીવવાના સપના જોયા હતા, તે જ વ્યક્તિ તેના શ્વાસ છીનવી લેશે.
સાબરમતી પોલીસે આ મામલે પિતાની ફરિયાદ નોંધીને PM રિપોર્ટના આધારે હર્ષ પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસની કડક પૂછપરછમાં પતિએ રચેલી 'બીમારી અને ઉલટી'ની બનાવટી વાર્તાના લીરેલીરા ઊડી ગયા હતા. લગ્નના માત્ર બે-ત્રણ વર્ષમાં જ પ્રેમલગ્નનો આવો લોહિયાળ અંત આવતા કોમલના પરિવારમાં માતમ છવાયો છે. હાલમાં પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને આરોપી પતિ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે.