અમદાવાદમાં નબીરાઓનો નશો ઉતારતી પોલીસ: માધવપુરામાં દારૂની બોટલ સાથે પૂર્વ ધારાસભ્યનો પુત્ર ઝડપાયો, કાર જપ્ત
અમદાવાદ શહેરના દધીચિ બ્રિજ સર્કલ વિસ્તારમાં ગત રાત્રિએ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલી કાળા કલરની કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પગલે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. માધવપુરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ મુખ્ય આરોપી યુવરાજ પટેલ પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો પુત્ર હોવાનું સામે આવતા આ મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બંને આરોપીઓ અકસ્માત સમયે દારૂ પીધેલી હાલતમાં હતા. તેઓ કાળા કલરની લક્ઝુરિયસ કાર (નંબર: GJ 01 - WK - 9992) માં સવાર હતા. નશાના જોરમાં કાર પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા આરોપીઓની હાલત શંકાસ્પદ જણાઈ હતી.
માધવપુરા પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, અકસ્માત સર્જનાર કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ પણ મળી આવી છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ કરી પૂર્વ ધારાસભ્યનો પુત્ર નશાની હાલતમાં ફરતો હોવાનું પુરવાર થતા પોલીસે પ્રોહિબિશન હેઠળ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે અકસ્માત સર્જનાર કાળા કલરની કારને જપ્ત કરી લીધી છે.
કારની અંદાજિત કિંમત રૂ.11 લાખ હોવાનું જણાવાયું છે. કાર ચાલક યુવરાજ પટેલ અને તેની સાથે રહેલા અન્ય એક ઈસમ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ બે અલગ-અલગ ગુનાઓ નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની કસ્ટડી મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ દારૂની બોટલ ક્યાંથી લાવવામાં આવી હતી અને અકસ્માત સમયે અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. માધવપુરા પોલીસની આ આકરી કાર્યવાહીથી નબીરાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.