અમદાવાદના નિકોલમાં સરકારી કચેરી બની જુગારનો અડ્ડો : AMC સિવિક સેન્ટરના ધાબા પર જામી હતી મહેફિલ, પોલીસે 7 શખ્સોને દબોચ્યા...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગરિમાને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય જનતાના કામ માટે ફાળવવામાં આવેલી સરકારી મિલકતનો ઉપયોગ જુગાર રમવા માટે કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. નિકોલ વિસ્તારમાં આવેલા AMCના સીટી સિવિક સેન્ટરમાં ગતરોજ રવિવારની રજાના દિવસે પોલીસની ટીમે ઓચિંતા દરોડા પાડીને ધમધમતા જુગારધામને ઝડપી પાડ્યું છે. નિકોલ પોલીસને જ્યારે ખાનગી બાતમી મળી કે સિવિક સેન્ટરના ધાબા પર કેટલાક લોકો ગેરકાયદેસર રીતે જુગારની રમત રમી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આખી યોજના ઘડી હતી. પોલીસની ટીમ તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે ખાનગી વાહનો દૂર પાર્ક કરી, પંચો અને સાક્ષીઓને સાથે રાખી અત્યંત સાવચેતીપૂર્વક ચાલતા સિવિક સેન્ટર પહોંચી હતી. સીડી વાટે જ્યારે પોલીસ ધાબા પર ચઢી ત્યારે ત્યાં સાત જેટલા જુગારીઓ કુંડાળું વળીને બેઠા હતા અને હાર-જીતનો ખેલ ખેલાઈ રહ્યો હતો. અચાનક પોલીસને જોઈને જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ પોલીસે ચપળતા દાખવી તમામ સાત શખ્સોને ઘટનાસ્થળે જ પકડી લીધા હતા.
આ કાર્યવાહીમાં પોલીસે નિતિન ધામેલીયા, વિપુલ પટેલ, હાર્દિક પટેલ, અમિત શર્મા, વિશાલ સાવલીયા, જયમીન ત્રિવેદી અને અજય ડોબરીયા નામના શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ શખ્સો બાપુનગર, નિકોલ અને નરોડા જેવા આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 15 હજાર રૂપિયાથી વધુની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલ પકડાઈ હોવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે, પરંતુ રવિવારની રજાના દિવસે કડક સુરક્ષા ધરાવતી સરકારી કચેરીના ધાબા પર આ રીતે જુગારધામ ચાલતું હોય તેવો કિસ્સો વિરલ માનવામાં આવે છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને કોર્પોરેશનના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે આટલી મહત્વની જગ્યા પર સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે રહી ગઈ.
સૌથી વધુ આશ્ચર્ય અને શંકાની સોય સિવિક સેન્ટરના કર્મચારીઓ તરફ વળી રહી છે, કારણ કે રવિવારે જ્યારે તમામ સરકારી કચેરીઓ બંધ હોય અને તેને તાળા મારેલા હોય, ત્યારે આ શખ્સો અંદર કેવી રીતે પ્રવેશ્યા અને ધાબા સુધી કેવી રીતે પહોંચ્યા તે એક ગંભીર તપાસનો વિષય છે. પોલીસના પ્રાથમિક સૂત્રો દ્વારા એવી વિગત બહાર આવી છે કે સિવિક સેન્ટરના જ કોઈ કર્મચારીએ લાલચમાં આવીને વધારાના રૂપિયા કમાવવા માટે રજાના દિવસે આ સરકારી જગ્યા ભાડે આપી હોઈ શકે છે. ચર્ચાઈ રહ્યું છે કે અંદાજે બે હજાર રૂપિયા કે તેથી વધુ ભાડું વસૂલીને જુગારીઓને આ સુરક્ષિત જગ્યા પૂરી પાડવામાં આવી હતી. હાલ નિકોલ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પકડાયેલા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે અને કયા કર્મચારીએ તેમને આ જગ્યાએ પ્રવેશવા માટે ચાવી આપી કે મદદ કરી તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આગામી સમયમાં આ મામલે જવાબદાર કર્મચારીઓ સામે પણ કડક ખાતાકીય અને કાયદેસરની કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.