અમદાવાદના નિકોલમાં VHP અને બજરંગદળના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશન ગજવ્યું, વિધર્મી યુવક વિરુદ્ધ ગંભીર આરોપો સાથે વિરોધ...
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે વાતાવરણ ભારે તંગ બની ગયું હતું, જ્યારે એક વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી તેને બદનામ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
રાત્રિના અંધકારમાં ગુંજતા સૂત્રોચ્ચારો અને કાર્યકર્તાઓના રોષને પગલે પોલીસ સ્ટેશનની બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંગઠનના હોદ્દેદારોનો સ્પષ્ટ આક્ષેપ છે કે વિધર્મી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, જે સાંખી લેવામાં આવશે નહીં.
પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી રહેલા કાર્યકર્તાઓએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવવા વિરોધ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે કાર્યકર્તાઓને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ રોષે ભરાયેલા કાર્યકર્તાઓ જ્યાં સુધી નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી હટવા તૈયાર નહોતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી હતી.