અંધારાનો ફાયદો ઉઠાવી રસ્તા પર જ માંડી મહેફિલ ,અમદાવાદ એરપોર્ટની દીવાલ પાસે દારૂડિયાઓ ખુલ્લેઆમ....

અમદાવાદ એરપોર્ટની સુરક્ષિત ગણાતી દીવાલ પાસે જ જ્યારે દારૂની મહેફિલ જામે, ત્યારે સુરક્ષા અને કાયદા સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. નોબલનગરમાં રસ્તા પર કાર ઉભી રાખીને નશો કરી રહેલા તત્વોનો વીડિયો વાયરલ થતા જ હલચલ મચી ગઈ હતી. વીડિયોમાં ચહેરા છુપાવીને ભાગતા આ શખસો પોલીસની નજરથી બચી શક્યા નથી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી એરપોર્ટ પોલીસે બે આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્યની શોધખોળ હજુ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને નશાબંધીના કાયદાના કડક અમલ માટે એરપોર્ટ પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે.
નોબલનગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ પાસે જાહેરમાં દારૂની મહેફિલ માણતા શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, નોબલનગર વિસ્તારમાં એરપોર્ટની દીવાલ પાસે અંધારાનો લાભ લઈને ત્રણથી ચાર શખસો પોતાની કાર રસ્તા પર ઉભી રાખી જાહેરમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. વીડિયો ઉતારતી વખતે નશામાં ધૂત શખસો ચહેરા છુપાવીને દારૂના ગ્લાસ સાથે ભાગતા જોવા મળ્યા હતા. પકડાયેલા શખસો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત વીડિયોમાં દેખાતા અન્ય ફરાર શખસોને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. એરપોર્ટ પોલીસે જણાવ્યું છે કે, જાહેરમાં આવી રીતે ગેરકાયદે પ્રવૃત્તિ કે મહેફિલ માણનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.