અમદાવાદના પકવાન બ્રિજ પર સ્પીડમાં આવતી કારે બાઈક સવારને મારી હતી જોરદાર ટક્કર, હોસ્પિટલમાં સારવાર દરમિયાન કમલેશનું નીપજયું મોત...
અમદાવાદના વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર પકવાન ઓવરબ્રિજ પાસે સાત દિવસ પહેલા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 47 વર્ષીય કમલેશભાઈ પાણખાણીયાનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું છે. નરોડા વિસ્તારના રહેવાસી કમલેશભાઈ અકસ્માત બાદ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા, પરંતુ માથાના ભાગે થયેલી અતિ ગંભીર ઇજાઓ જીવલેણ સાબિત થઈ છે. આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને હવે તેમના અવસાનના સમાચારથી પરિવાર સહિત સ્થાનિકોમાં ભારે શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે.
આ ઘટનાની વિગતો મુજબ, થલતેજથી સરખેજ તરફ જઈ રહેલા કમલેશભાઈની બાઈકને પાછળથી પૂરઝડપે આવી રહેલી લાલ રંગની વોક્સવેગન પોલો કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર હવામાં ફંગોળાયા હતા અને બાઈકનો આગળનો ભાગ કારના બોનેટમાં આખેઆખો ઘૂસી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ માનવતા ભૂલેલો કાર ચાલક ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે પોતાની કાર (નંબર: GJ01 RE-2275) મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં કમલેશભાઈને તાત્કાલિક સોલા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઝાયડસ કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને માથામાં ગંભીર ઇજાઓ ઉપરાંત છાતી, કમર અને બંને પગમાં ફ્રેક્ચર જેવી આંતરિક ઇજાઓ પહોંચી હતી.
એસ.જી. હાઈવે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ હિટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલ તો આરોપીને જામીન મળી ગયેલ છે. કમલેશભાઈના અવસાનથી એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે.