April 1, 2026
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉકેલવા પોલીસ કમિશનર મેદાનમાં : પેલેડિયમ મોલ પાસેના ‘કટ’ અંગે લેવાયો મોટો નિર્ણય...

11:27:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદમાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉકેલવા પોલીસ કમિશનર મેદાનમાં :</strong></span> પેલેડિયમ મોલ પાસેના ‘કટ’ અંગે લેવાયો મોટો નિર્ણય...</p>

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે હવે પોલીસ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કવાયત તેજ કરવામાં આવી છે. આજે  અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલ પાસેના ટ્રાફિક જંકશનનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ પાછળનો મુખ્ય હેતુ એવા પોઈન્ટ્સને ઓળખવાનો હતો જ્યાં રોડ પરના ‘કટ’ (ડિવાઈડર વચ્ચેની જગ્યા)ને કારણે વાહનોની લાંબી કતારો લાગે છે અથવા અકસ્માતનો ભય રહે છે. પોલીસ કમિશનરે આ સ્થળની મુલાકાત લઈ ટ્રાફિકના પ્રવાહનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો અને સ્થાનિક ટ્રાફિક પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી કે કઈ રીતે વાહનવ્યવહારને વધુ સુવ્યવસ્થિત કરી શકાય.

પેલેડિયમ મોલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ સંદર્ભમાં SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી)ની નિષ્ણાત ટીમ દ્વારા જે-તે વિસ્તારનો ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો હતો. આ ટીમે વાહનોની અવરજવર, પીક અવર્સ દરમિયાનનો ટ્રાફિક અને રોડની ડિઝાઈનનો અભ્યાસ કર્યા બાદ એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ સર્વે રિપોર્ટના આધારે જ કમિશનર દ્વારા પેલેડિયમ મોલ પાસેના કટને ખોલવા કે બંધ રાખવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને બિનજરૂરી ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી શકે.
માત્ર પેલેડિયમ મોલ જ નહીં, પરંતુ સમગ્ર અમદાવાદ શહેરમાં જ્યાં પણ ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે, ત્યાં હવે આ પ્રકારે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. 

પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં અનેક સ્થળોએ સ્થાનિક લોકો અથવા વ્યાપારી એકમો દ્વારા પોતાની સુવિધા માટે બિનજરૂરી રીતે ડિવાઈડરમાં કટ બનાવી દેવામાં આવ્યા છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે. આવા અનધિકૃત અને જોખમી કટને તાત્કાલિક અસરથી બંધ કરવાની ઝુંબેશ પણ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું સ્તર સુધારવા માટે આગામી દિવસોમાં વધુ પોઈન્ટ્સ પર સર્વે કરીને જરૂરિયાત મુજબ કટ ખોલવા કે બંધ કરવા અંગેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે.અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક

આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, "શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત બનાવવો એ અમારી પ્રાથમિકતા છે. અમે નિષ્ણાત એજન્સીઓના રિપોર્ટને આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છીએ. પેલેડિયમ મોલ પાસે SVNITના સર્વે બાદ લેવાયેલ નિર્ણય વાહનચાલકોની સુવિધા માટે છે. જે પણ જગ્યાએ ગેરકાયદેસર કટ હશે તેને બંધ કરવામાં આવશે અને જ્યાં ટેકનિકલી જરૂર હશે ત્યાં નવા ફેરફાર પણ કરવામાં આવશે, જેથી અમદાવાદીઓને ટ્રાફિકની કડાકૂટમાંથી રાહત મળે." આમ, પોલીસ તંત્ર અને એન્જિનિયરિંગ નિષ્ણાતોના સંયુક્ત પ્રયાસોથી શહેરના ટ્રાફિકની તસ્વીર બદલવાની કવાયત હવે વેગીલી બની છે.