QR કોડ સ્કેન થતા જ ખેલ ખતમ! અમદાવાદમાં પકડાયું ટિકિટનું હાઈ-ટેક ડુપ્લીકેટિંગ નેટવર્ક, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ પર મુસાફરી કરતા 15 શખ્સો ઝડપાયા...
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચતા જ રેલવે સુરક્ષા દળ અને ટિકિટ ચેકિંગ સ્ટાફની સતર્કતાને કારણે એક ચોંકાવનારું ટિકિટ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગત 21 માર્ચના રોજ જ્યારે આ ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી, ત્યારે નિયમિત ચેકિંગ દરમિયાન ચેકિંગ સ્ટાફને કેટલીક ટિકિટો પર શંકા ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જ આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી કે 15 જેટલા મુસાફરો પાસે જે ટિકિટો હતી, તે તમામનો સીરીયલ નંબર એકસમાન હતો. આ જોઈને રેલવે તંત્ર સ્તબ્ધ થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણો તમામ શંકાસ્પદ મુસાફરોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ કૌભાંડની કાર્યપદ્ધતિ એટલી શાતિર હતી કે સામાન્ય નજરે જોતા ટિકિટ અસલી જ જણાય, પરંતુ જ્યારે રેલવેના સ્ટાફે આધુનિક સ્કેનર દ્વારા ટિકિટ પરના ક્યૂઆર કોડનું સ્કેનિંગ કર્યું, ત્યારે ટેકનિકલ ચકાસણીમાં તમામ ટિકિટો નકલી હોવાનું સ્પષ્ટ સાબિત થયું હતું. ઊંડાણપૂર્વકની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે આ ભેજાબાજ ટોળકી સૌપ્રથમ રેલવે સ્ટેશન પરથી એક અસલી ટિકિટ ખરીદતી હતી અને ત્યારબાદ તેને હાઈ-ટેક સ્કેનર દ્વારા સ્કેન કરી તેની 10-10 નકલો કાઢતી હતી. આ નકલી ટિકિટો ભોળા મુસાફરોને પધરાવી દઈને છેતરપિંડી કરવામાં આવતી હતી, જેના કારણે રેલવેની આવકને મોટું નુકસાન પહોંચતું હતું.
આ આખા રેકેટના મૂળ પ્રયાગરાજ રેલવે સ્ટેશન સુધી ફેલાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પ્રયાગરાજમાં એટીવીએમ (ATVM) ફેસિલિટેટર તરીકે ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ જ આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધાર હોવાનું જણાયું છે. આ શખ્સો મુસાફરોને નકલી ટિકિટો પધરાવ્યા બાદ મૂળ અસલી ટિકિટ પર રિફંડ મેળવી લેતા હતા, જેથી તેઓ બમણો નફો કમાઈ શકતા હતા. હાલમાં રેલવે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ કડક તપાસ શરૂ કરવામાં આવી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. રેલવે તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ માત્ર અધિકૃત બારી અથવા ઓનલાઇન પોર્ટલ પરથી જ ટિકિટ ખરીદે જેથી આવી છેતરપિંડીનો ભોગ ન બનવું પડે.