April 1, 2026
ગુજરાત

નાના ભૂલકાઓ બન્યા 'રામ-જાનકી-હનુમાન,મહાદેવ ': અમદાવાદના માર્ગો 'જય શ્રી રામ'ના ગુંજારવ વચ્ચે નીકળી પ્રભુ રામની ભવ્ય શોભાયાત્રા...

02:36:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નાના ભૂલકાઓ બન્યા 'રામ-જાનકી-હનુમાન,મહાદેવ ': </strong></span>અમદાવાદના માર્ગો 'જય શ્રી રામ'ના ગુંજારવ વચ્ચે નીકળી પ્રભુ રામની ભવ્ય શોભાયાત્રા...</p>

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી'ના પાવન અવસર પર આજે સમગ્ર દેશ સહિત અમદાવાદમાં પણ અદભૂત ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રા જ્યારે શહેરના ઐતિહાસિક વિસ્તારો એવા દરિયાપુર, શાહપુર અને ઘીકાંટામાંથી પસાર થઈ ત્યારે સમગ્ર વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. ભક્તોના મુખેથી નીકળતા 'જય શ્રી રામ'ના નાદથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું અને હિન્દુ સમાજની અતૂટ શ્રદ્ધા તેમજ સાંસ્કૃતિક એકતાના અનોખા દર્શન થયા હતા. હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદનીને કારણે રસ્તાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી રહી, છતાં ભક્તોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને આનંદ વર્તાતો હતો.

આ શોભાયાત્રામાં માત્ર ધાર્મિકતા જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિનો સંગમ પણ જોવા મળ્યો હતો. યાત્રામાં કુલ 9 જેટલા અત્યંત આકર્ષક ટેબ્લો સામેલ કરવામાં આવ્યા હતા, જે સામાજિક અને આધ્યાત્મિક સંદેશાઓ વહેતા કરતા હતા. જેમાં વ્યસન મુક્તિના સંદેશ સાથેના ટેબ્લોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, તો બીજી તરફ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને પ્રદર્શિત કરતી ઝાંખી રજૂ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા મહિલા સશક્તિકરણ અને સેવાકીય કાર્યોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જ્યારે બજરંગ દળની શૌર્ય પ્રવૃત્તિઓ અને ગુરુ ગોવિંદ સિંહજી જેવા મહાપુરુષોના ટેબ્લોએ લોકોમાં દેશપ્રેમ અને ગૌરવની લાગણી જગાવી હતી. જોકે, સમગ્ર યાત્રાનું મુખ્ય આકર્ષણ પ્રભુ શ્રી રામના બે સ્વરૂપો - 'વનવાસી રામ' અને 'રાજારામ'ના ભવ્ય રથ હતા, જેના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની પડાપડી થઈ હતી.

શોભાયાત્રાની ભવ્યતામાં ચાર ચાંદ લગાવવા માટે 20 જેટલા ભજન મંડળો સતત રામધૂન અને ભજનોની રમઝટ બોલાવી રહ્યા હતા, જેના તાલે ભક્તો મન મૂકીને ઝૂમી રહ્યા હતા. આ ઉપરાંત, 10 જેટલા અખાડાના યુવાનોએ શસ્ત્ર પ્રદર્શન અને અદભૂત કરતબો બતાવીને લોકોના શ્વાસ થંભાવી દીધા હતા. નાસિક ઢોલ અને પરંપરાગત ઢોલ-નગારાના તાલે વાતાવરણમાં જોમ ભરી દીધું હતું. નાના બાળકો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી, મહાદેવની મનમોહક વેશભૂષામાં સજ્જ થઈને યાત્રામાં જોડાયા હતા, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રેમ દરવાજાથી શરૂ થયેલી આ યાત્રા તેના નિર્ધારિત માર્ગો જેવા કે દરિયાપુર, જોર્ડન રોડ અને ઘીકાંટા થઈને દુધેશ્વર ખાતે સંપન્ન થઈ હતી.

આ ઐતિહાસિક પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશનજી પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો હતો. યાત્રાના પ્રારંભે અંદાજે 10,000થી વધુ યુવાનો અને હિન્દુ સમાજના અગ્રણીઓ જોડાયા હતા, જેની સંખ્યા યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ હજારોમાં ઉમેરાતી ગઈ હતી. દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ ભાઈચારા અને ભક્તિ સાથે નીકળેલી આ શોભાયાત્રાએ શાંતિપૂર્ણ રીતે પ્રભુના જન્મોત્સવની ઉજવણી કરીને એક નવો દાખલો બેસાડ્યો હતો. 

સમગ્ર માર્ગ પર ઠેર-ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ભક્તો માટે ઠંડા પાણી તથા પ્રસાદની વ્યવસ્થા પણ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. આમ, અમદાવાદમાં રામનવમીની આ શોભાયાત્રા ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના અદભૂત સંગમ સમાન બની રહી હતી.