April 7, 2026
ગુજરાત

જાણે ફિલ્મનું દ્રશ્ય હોય! અમદાવાદ સ્ટેશન પર દેવદૂત બનીને ત્રાટક્યા RPF જવાનો, શરૂ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા મુસાફરનો કર્યો બચાવ... 

02:43:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જાણે ફિલ્મનું દ્રશ્ય હોય! </strong></span>અમદાવાદ સ્ટેશન પર દેવદૂત બનીને ત્રાટક્યા RPF જવાનો, <strong>શરૂ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા મુસાફરનો કર્યો બચાવ... </strong></p>

અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર આજે વહેલી સવારે માનવતા અને બહાદુરીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને જોઈને પ્લેટફોર્મ પર હાજર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રેલ્વે સુરક્ષા બળ (RPF)ના જવાનોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર સુરક્ષા માટે જ નહીં, પણ મુસાફરો માટે સાક્ષાત રક્ષક બનીને તૈનાત હોય છે. 'ઓપરેશન જીવન રક્ષા' ના ઉમદા અભિગમ હેઠળ, આ જવાનોએ પોતાની જાન જોખમમાં મૂકીને મોતની પકડમાં આવી ગયેલા એક મુસાફરને નવજીવન આપ્યું છે. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જે રૂંવાડા ઉભા કરી દે તેવી છે.ઘટના કઈ રીતે બની? 

ઘટનાની વિગતો મુજબ, આજે તારીખ 06 એપ્રિલ, 2026ના રોજ સવારે જ્યારે શહેર હજુ મીઠી નિંદ્રામાં હતું, ત્યારે 04:00 કલાકે અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. સુરતના રહેવાસી 42 વર્ષીય મહેન્દ્ર બાબુલાલ મહેતા ટ્રેન સંખ્યા 09009માં સુરતથી ગાંધીધામ તરફ મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન સ્ટેશન પર ઉભી હતી ત્યારે તેઓ ચા-નાસ્તો લેવા નીચે ઉતર્યા હતા, પરંતુ તેટલામાં ટ્રેન રવાના થવા લાગી હતી. ટ્રેન ચુકી જવાની બીકે મહેન્દ્રભાઈએ ચાલુ ટ્રેનના જનરલ કોચમાં ચઢવા માટે દોટ લગાવી હતી, પણ કમનસીબે ચઢતી વખતે તેમનો પગ લપસી ગયો હતો. જોતજોતામાં તેઓ પ્લેટફોર્મ અને ગતિ પકડી રહેલી ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ગરકાવ થવા લાગ્યા હતા.

અમદાવાદ સ્ટેશન પર દેવદૂત બનીને ત્રાટક્યા RPF જવાનો

આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ કિશોરી લાલ બલાઈ તુરંત દોડ્યા હતા અને મુસાફરને પકડવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેનની વધતી ઝડપને કારણે મહેન્દ્રભાઈ તેમની પકડમાં આવ્યા ન હતા અને મોતની વધુ નજીક ખેંચાઈ રહ્યા હતા. બરાબર તે જ પળે, પ્લેટફોર્મ પર સાદા ડ્રેસમાં ગુનાખોરી ડામવા માટે હાજર રહેલી RPFની CPDS ટીમના સહાયક સબ-ઇન્સ્પેક્ટર રમણ કુમાર અને કોન્સ્ટેબલ છોટુ લાલની નજર આ દ્રશ્ય પર પડી હતી. સેકન્ડના સોમા ભાગમાં નિર્ણય લઈને આ બંને જવાનો ચિત્તાની ઝડપે દોડ્યા હતા અને પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર મહેન્દ્રભાઈને ટ્રેન નીચે જતા બચાવી અત્યંત બહાદુરીપૂર્વક બહાર ખેંચી લીધા હતા.

સદનસીબે, આ જીવલેણ દુર્ઘટનામાં મહેન્દ્રભાઈને કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. રેલ્વે તંત્ર અને મુસાફરો દ્વારા આ બહાદુર જવાનોની સમયસૂચકતા અને નિષ્ઠાની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે. જોકે, આ ઘટના રેલ્વે મુસાફરો માટે એક લાલબત્તી સમાન પણ છે કે ચા-નાસ્તા જેવી સામાન્ય બાબતો માટે ચાલુ ટ્રેનમાં ચઢવા-ઉતરવાનું જોખમ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. RPFની આ જાંબાઝીની વાત વાયુવેગે પ્રસરતા લોકો કહી રહ્યા છે કે ખાખી વરદીમાં આજે ખરેખર માનવતાના દર્શન થયા છે.