ખેતરના શેઢેથી જેલના સળિયા સુધી: અમદાવાદમાં ઝડપી પૈસાની લાલચમાં જમીન માલિકે ડ્રગ્સનો રસ્તો પકડ્યો, પોલીસે ખેલ બગાડ્યો

રાજ્યમાં નશાના દૂષણને જડમૂળથી ઉખેડવા પોલીસ સતત સક્રિય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાંથી ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે ડ્રગ્સના વ્યવહારથી દૂર રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં યુવાધનને બરબાદ કરવાનો આ એક ગંભીર પ્રયાસ હોવાનું સામે આવ્યું છે. ઝડપી પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાયેલો જમીન માલિક ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. અમદાવાદ શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નશાનું નેટવર્ક ફેલાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની સતર્કતાને કારણે ચાંગોદર વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ચાંગોદર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલ નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલ આરોપી નરેશભાઈ પોતે જમીન માલિક છે અને આર્થિક રીતે સધ્ધર છે. તેમ છતાં, રાતોરાત અમીર બનવાની ઘેલછા અને ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં તે ડ્રગ્સના કાળા કારોબારમાં સામેલ થયો હતો. આરોપી ડ્રગ્સનો જથ્થો લાવ્યાના ગણતરીના સમયમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સામાન્ય રીતે અમદાવાદના શહેરી વિસ્તારોમાં ડ્રગ્સના કેસો જોવા મળતા હોય છે, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ ઘટનાને પોલીસે ખૂબ જ ગંભીરતાથી લીધી છે, કારણ કે ગામડાઓમાં યુવાધનને નશાના રવાડે ચડાવવાનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર હોઈ શકે છે.અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તે કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે. ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારમાં નશાનું દૂષણ ફેલાવનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં."