April 1, 2026
ક્રાઈમ

ઊંઘતા ખેડૂતોના કાન કાપતી ગેંગનો ખાતમો....અમદાવાદ ગ્રામ્ય LCB એ ખૂંખાર લૂંટારુઓને ઝડપ્યા, ₹6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

03:23:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઊંઘતા ખેડૂતોના કાન કાપતી ગેંગનો ખાતમો....</strong></span>અમદાવાદ ગ્રામ્ય LCB એ ખૂંખાર લૂંટારુઓને ઝડપ્યા, ₹6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત</p>

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા આઠ મહિનાથી આતંકનો પર્યાય બનેલી 'કાન કાપતી' ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.ને મોટી સફળતા મળી છે. સાણંદ અને ચાંગોદર પંથકમાં રાત્રિના સમયે ખેતરોમાં સૂતેલા શ્રમિકો અને ખેડૂતોને નિશાન બનાવી તેમના કાન કાપી સોનાના દાગીનાની લૂંટ કરતી આ ગેંગના બે મુખ્ય સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દશરથ ઉર્ફે દશો દેવીપૂજક અને સંજય કોદારિયા તરીકે થઈ છે. આ ગેંગની ગુના કરવાની રીત અત્યંત ક્રૂર અને કાળજું કંપાવનારી હતી.

આરોપીઓ રાત્રિના સમયે સાણંદ, ચાંગોદર અને કેરાળા GIDC જેવા વિસ્તારોમાં ખેતરોની રખેવાળી કરતા ખેડૂતો અને મહિલાઓને નિશાન બનાવતા હતા. લૂંટના ઈરાદે ત્રાટકેલા આ શખ્સો સૂતેલા લોકો પર જીવલેણ હુમલો કરી, ધારદાર હથિયારથી તેમના કાન કાપી લેતા હતા અને સોનાની કાનની વાળીઓ કે બુટ્ટીઓ ખેંચીને ફરાર થઈ જતા હતા. આ હિંસક ઘટનાઓને કારણે સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો, વધતી જતી લૂંટની ઘટનાઓને નાથવા માટે અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને જાળ બિછાવી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સાણંદ અને ચાંગોદર વિસ્તારમાં અનેક ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 57 ગ્રામ સોનાના દાગીના અને ચાંદીની વસ્તુઓ સહિત કુલ ₹6,69,771 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જોકે, આ ગેંગનો ત્રીજો સાગરીત પ્રકાશ રતીલાલ દેવીપૂજક હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા બંને શખ્સોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે જિલ્લાના અન્ય કયા વિસ્તારોમાં અથવા રાજ્યના અન્ય કોઈ ભાગમાં આ પ્રકારે કાન કાપીને લૂંટ ચલાવી છે કે કેમ. આ ગેંગના પકડાવવાથી ખેડૂતો અને ગ્રામ્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા કરે તેવી શક્યતા છે.