અમદાવાદ : સરખેજમાં 'વોટ્સએપ સ્ટેટસ'ના વિવાદમાં યુવકની કરી હતી હત્યા, પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન...
અમદાવાદના સરખેજ વિસ્તારમાં તાજેતરમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના જગાવી છે, જેમાં એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હતો. પ્રેમ પ્રકરણ અને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા વાંધાજનક સ્ટેટસની અદાવતમાં થયેલી આ હત્યાના મામલે સરખેજ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે પકડાયેલા પાંચ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનો એવો પાઠ ભણાવ્યો કે રી-કન્સ્ટ્રક્શન વખતે આરોપીઓના પગ ધ્રૂજવા લાગ્યા હતા અને તેમને ચાલવાના પણ ફાંફા પડી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 17 માર્ચ 2026ની રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ પુખ્ત વયના આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક સગીર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કાયદાનું ભાન કરાવ્યું છે.
આ લોહિયાળ ખેલ પાછળના કારણોની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસના મુખ્ય પાત્ર આશિષ ઠાકોર અને આરોપી સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધો ચાલતા હતા. બે મહિના અગાઉ જ્યારે આ બાબતની જાણ સંજયને થઈ ત્યારે પરિવારે આશિષને મેથીપાક ચખાડી મામલો થાળે પાડ્યો હતો. જોકે, આશિષે સુધરવાને બદલે 17 માર્ચની રાત્રે સંજયની પત્ની સાથેના પોતાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર બીભત્સ સ્ટેટસ તરીકે મૂક્યા હતા. આ બાબતે સંજય અને તેના સાથીદાર મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર આશિષને સ્ટેટસ હટાવવા ચેતવણી આપી હતી, પરંતુ આશિષની જીદ અને ઉદ્ધતાઈભર્યા વર્તનને કારણે મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા આરોપીઓ હથિયારો સાથે આશિષના ઘરની બહાર પહોંચી ગયા હતા અને હુમલો કર્યો હતો.
હુમલાના સમયે આશિષ તો પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં છુપાઈ ગયો હતો, પરંતુ બહાર ઉભેલા તેના નિર્દોષ પરિવારજનો અને સંબંધીઓ હુમલાખોરોનો શિકાર બન્યા હતા. ઉશ્કેરાયેલા છ શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હિંસક હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ગંભીર ઘા વાગતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકો નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સરખેજ પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક એક્શન મોડમાં આવી આરોપીઓને દબોચી લીધા હતા અને સમાજમાં દાખલો બેસે તે હેતુથી તેમનું જાહેરમાં રી-કન્સ્ટ્રક્શન કરાવીને કાયદાના રક્ષક હોવાનો અહેસાસ કરાવ્યો હતો.