"ગુરુ-શિષ્યાના સંબંધો શર્મસાર"....અમદાવાદની શેઠ C.N. કોલેજમાં વિદ્યાર્થિની છેડતી કરનાર લંપટ પ્રોફેસર બરતરફ
અમદાવાદની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ સી.એન. વિદ્યાવિહારની PTC કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અધ્યાપક દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા શરૂઆતમાં દાખવવામાં આવેલી ઉદાસીનતા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ કડક વલણ અપનાવ્યું છે. DEO એ આ ગંભીર બેદરકારી બદલ સંસ્થાના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને કારણદર્શક નોટિસ ફટકારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 20 માર્ચના રોજ પરીક્ષા દરમિયાન એક વરિષ્ઠ અધ્યાપકે વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હતો અને તેની ઉત્તરવહી લઈ લીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
પીડિત દીકરીએ આ અંગેની જાણ પરિવારને કરતા વાલીઓએ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જોકે, ઘટનાના ચાર દિવસ બાદ પણ સંસ્થા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા મામલો ગરમાયો હતો અને અંતે શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો. પ્રિન્સિપાલ ભગવાન પટેલે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ 25માર્ચની સાંજે મૌખિકમાં આ અંગે જાણ કરી હતી. તેમણે વિદ્યાર્થિનીને લેખિત ફરિયાદ આપવા જણાવ્યું હતું. આજે 27 માર્ચના રોજ સવારે લેખિત ફરિયાદ મળતા જ સંસ્થાએ સંબંધિત અધ્યાપકને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ફરજમુક્ત કરવાનો આદેશ આપી દીધો છે અને આ અંગે શિક્ષણ વિભાગને પણ રિપોર્ટ સોંપ્યો છે.
કે, સી.એન. વિદ્યાલય જેવી સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા સર્વોપરી છે. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થિનીઓમાં ડર ન ફેલાય તે માટે કાઉન્સેલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરવામાં આવશે. શિક્ષણ વિભાગે તમામ કોલેજોને આદેશ આપ્યો છે કે મહિલા સુરક્ષા સમિતિઓને વધુ સક્રિય કરવામાં આવે અને આવી કોઈ પણ ફરિયાદમાં 24 કલાકની અંદર પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે.