કેવી રીતે આપશો ઉમેદવારોને વોટ? અમદાવાદમાં SVEEP કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન, કે. કા. શાસ્ત્રી કોલેજ સહિત આ વિધાલયમાં યુવાઓએ લીધા મતદાનના શપથ...

અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં આવેલ કે. કા. શાસ્ત્રી કોલેજ સંકુલ ખાતે આજે ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવતા SVEEP (Systematic Voters' Education and Electoral Participation) કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કોમર્સ કોલેજના વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવના રંગેચંગ માહોલ વચ્ચે, પ્રથમવાર મતાધિકાર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેરના આસિસ્ટન્ટ પુરવઠા અધિકારી સોનલ સોનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડિજિટલ પ્રોજેક્ટરના માધ્યમથી સચિત્ર અહેવાલ રજૂ કરી યુવાઓને મતદાન પ્રક્રિયાની ઝીણવટભરી માહિતી આપી હતી અને જે વિદ્યાર્થીઓ પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે, તેઓને રાષ્ટ્રહિતમાં અચૂક મતદાન કરવા માટેના ગંભીરતાપૂર્વક સંકલ્પ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી અને તકનીકી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. સોનાણીએ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં મતદારોએ કેવી રીતે મતદાન મથક પર જવું અને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ઓળખના પુરાવાઓ પૈકી કોઈપણ એક માન્ય દસ્તાવેજ સાથે રાખવો અનિવાર્ય છે. ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીની વિશિષ્ટતા સમજાવતા તેમણે કહ્યું હતું કે, દરેક મતદારે પોતાના વોર્ડના ચાર ઉમેદવારોને મત આપવાના રહેશે અને ત્યારબાદ અંતમાં રજિસ્ટરનું બટન દબાવવાથી જ તેમનો મત સફળતાપૂર્વક નોંધાશે. આ પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા કરીને તેમણે નવા મતદારોની મૂંઝવણ દૂર કરી હતી.
વધુમાં, આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાનોમાં વધતા જતા ક્રેઝને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના પણ આપવામાં આવી હતી. અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે મતદાન મથકની અંદર મોબાઈલ ફોનથી મતદાન કરતી વખતની સેલ્ફી લેવી કે રીલ્સ બનાવીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવી એ કાયદેસરનો ગુનો બને છે. આવી પ્રવૃત્તિઓથી દૂર રહીને સજાપાત્ર ગુનાથી બચવા અને ગુપ્ત મતદાનની મર્યાદા જાળવવા યુવાઓને અપીલ કરવામાં આવી હતી.
આ જ જાગૃતિ અભિયાન હેઠળ ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડની અર્ચના વિદ્યાલય, ધી મધર અંગ્રેજી સ્કૂલ અને ઉદ્દગમ વિદ્યાલયમાં પણ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી કે તેઓ પોતે તો જાગૃત બને જ, પણ સાથે સાથે તેમના વાલીઓ પણ આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરી સંકલ્પબદ્ધ કરે.