April 1, 2026
ક્રાઈમ

અમદાવાદમાં  સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને પડી મોંઘી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખંખેર્યા

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p>અમદાવાદમાં  સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને પડી મોંઘી, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખંખેર્યા</strong></span></p>

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને સિક્યોરિટી એજન્સી ચલાવતા એક વેપારી સાથે ફોરેક્સ ટ્રેડિંગના નામે ₹90.45 લાખની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથેની મિત્રતા અને ઊંચા નફાની લાલચમાં વેપારીએ પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવી દીધી છે.  મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વેપારી સોશિયલ મીડિયાના માધ્યમથી કોમલ મહેતા નામની એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા.

આ યુવતીએ પોતાની ઓળખ એક સફળ 'બિલ્ડર' તરીકે આપી હતી અને વેપારીનો વિશ્વાસ જીતવા માટે ફોરેક્સ ટ્રેડિંગમાં પોતે લાખો રૂપિયા કમાતી હોવાના દાવા કર્યા હતા. રોકાણ પર અનેકગણા નફાની લાલચ આપી યુવતીએ વેપારીને રોકાણ કરવા માટે તૈયાર કર્યા હતા. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી મુજબ, યુવતીએ વેપારીને એક લિંક મોકલી વેબસાઈટ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૂઆતમાં વેપારીએ ₹50,000 રોક્યા હતા, જેની સામે તેમને ₹5,000નો નફો પરત મળ્યો હતો.

આ નાની રકમ પરત મળતા વેપારીને સ્કીમ સાચી હોવાનો પૂરો ભરોસો બેસી ગયો હતો, જે છેતરપિંડીનો મુખ્ય ભાગ હતો. પૂરો ભરોસો બેસી જતાં વધુ કમાણીની લાલચમાં વેપારીએ અલગ-અલગ સમયે કુલ ₹93 લાખ ટેલિગ્રામ પર આપવામાં આવેલા વિવિધ બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, વેબસાઈટના ડેશબોર્ડ પર આ રકમ જમા થયેલી દેખાતી હતી, જેના કારણે વેપારીને છેક સુધી શંકા ગઈ નહોતી કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.

જ્યારે વેપારીએ પોતાની મોટી રકમ ઉપાડવાનો  પ્રયાસ કર્યો, ત્યારે માત્ર ₹2.55 લાખ જ પરત આવ્યા હતા. બાકીના ₹90.45 લાખ ઉપાડવા માટે સાયબર ગઠિયાઓએ ટેકનિકલ સમસ્યાઓ અને પ્રોસેસિંગ ફીના બહાના હેઠળ વધુ નાણાંની માંગણી કરી હતી. અંતે સંપર્ક કપાઈ જતાં વેપારીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ દ્વારા અપાતી રોકાણની લાલચમાં આવવું નહીં અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નહીં.