April 1, 2026
ક્રાઈમ

અમદાવાદનો 'સ્વેગ' વાળો વાહનચોર: પેટ્રોલ પત્યું, એક્ટિવા છોડ્યું....મેટ્રો સ્ટેશન નીચેથી 14 વાહનો ઉઠાવનારનો અનોખો અંદાજ

03:21:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદનો 'સ્વેગ' વાળો વાહનચોર:</strong></span> પેટ્રોલ પત્યું, એક્ટિવા છોડ્યું....મેટ્રો સ્ટેશન નીચેથી 14 વાહનો ઉઠાવનારનો અનોખો અંદાજ</p>

અમદાવાદ શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ ઝોન-5 લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. મેટ્રો સ્ટેશન નીચેથી માત્ર મુસાફરી કરવાના હેતુથી એક્ટિવા ચોરતા એક રીઢા અને અતરંગી વાહનચોરની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરના 9 અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 14 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ઝોન-5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી વિકાસ ત્રિવેદીની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ હતી.

આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવાને નિશાન બનાવતો હતો. તે લોખંડના સળિયા વડે વાહનનું લોક તોડી નાખતો હતો. નવાઈની વાત એ છે કે, આરોપી આ વાહનો વેચવા માટે નહીં પરંતુ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એટલે કે 'ફ્રી રાઈડ' માટે ચોરતો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી ચોરીના એક્ટિવામાં ત્યાં સુધી ફરતો જ્યાં સુધી તેમાં પેટ્રોલ હોય, જેવું પેટ્રોલ પૂરું થાય એટલે તે એક્ટિવાને કોઈ બ્રિજ નીચે અથવા અવાવરુ જગ્યાએ બિનવારસી હાલતમાં ફેંકી દેતો હતો અને ત્યાંથી બીજા કોઈ વાહનની ચોરી કરતો હતો.

આ રીતે તેણે અત્યાર સુધીમાં અનેક વાહનોને બિનવારસી હાલતમાં રસ્તા પર છોડી દીધા હતા. અમરાઈવાડી મેટ્રો સ્ટેશન અને અન્ય સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની હિલચાલ કેદ થઈ હતી. ફૂટેજમાં આરોપી લોખંડના સળિયા સાથે વાહનનું લોક તોડતો સ્પષ્ટ દેખાયો હતો. આ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે LCB ની ટીમે આરોપીને દબોચી લીધો હતો.આરોપી વિકાસ ત્રિવેદી કોઈ સામાન્ય તસ્કર નથી, પરંતુ તે એક રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ વાહન ચોરીના 8 અને લૂંટનો 1 ગંભીર ગુનો નોંધાયેલો છે. પોલીસે હાલમાં 14 એક્ટિવા કબ્જે કર્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય કેટલાક ગુનાઓના ભેદ ઉકલે તેવી શક્યતા છે.