April 1, 2026
ક્રાઈમ

બહેનની નજર સામે જ ભાઈની હત્યા : અમદાવાદના વાસણામાં ઘર આંગણે સૂતેલા યુવકની છરીના ઘા મારી કરી હત્યા, અજાણ્યો શખ્સ ફરાર... 

09:05:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બહેનની નજર સામે જ ભાઈની હત્યા : </strong></span>અમદાવાદના વાસણામાં ઘર આંગણે સૂતેલા યુવકની છરીના ઘા મારી કરી હત્યા, અજાણ્યો શખ્સ ફરાર... </p>

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલ ભરવાડ વાસમાં ગત મોડી રાત્રે એક હચમચાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 25 વર્ષીય આશાસ્પદ યુવાન હિતેષ મેઘવાલની અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. વાસણામાં ગુપ્તાનગર પાસે આવેલા રાધાકૃષ્ણ મંદિરની પાછળ માત્રાભાઈ ભરવાડના ભાડાના મકાનમાં રહેતા આ પરિવાર પર રાત્રિના સમયે કાળ ત્રાટક્યો હતો. સાણંદના ફર્નિચરના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતા હિતેષભાઈ રાબેતા મુજબ પોતાના ઘરની બહાર ખુલ્લામાં પલંગ પર સૂતા હતા, ત્યારે રાત્રિના આશરે બે થી અઢી વાગ્યાના સુમારે એક અજાણ્યા પાતળા અને ઊંચા બાંધાના શખ્સે, જેણે જેકેટ અને માથા પર ટોપી પહેરેલી હતી, તેણે હિતેષભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે યુવકના પેટના ભાગે ગંભીર ઘા મારીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.

આ ઘટના સમયે મૃતકની નાની બહેન જ્યોતીબેન બાજુના પલંગ પર જ સૂતા હતા, જેમણે ભાઈને માર મારવાનો અવાજ આવતા તુરંત જાગી જઈ હુમલાખોરને પડકાર્યો હતો. જોકે, પકડાઈ જવાની બીકે અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બહેને બૂમાબૂમ કરતા આસપાસના ભાડૂતો અને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા રંભાબેન પણ જાગી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા હિતેષને જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે ડોક્ટરોએ હિતેષભાઈને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યા હતા. 20 વર્ષથી અહીં સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારના મોટા પુત્રની આ રીતે અચાનક વિદાયથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજની તપાસ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. જ્યોતીબેનની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. એક મહેનતકશ યુવકની આમ રસ્તા વચ્ચે ઊંઘમાં જ હત્યા થતા સ્થાનિક રહીશોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

વાસણા પોલીસ સ્ટેશનના PI આર.એન. પટેલે જણાવ્યું હતું કે બનાવ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારના નિવેદનના આધારે તપાસ કરવામાં આવી રહી છે.