World Water Day: તંત્રના દાવા પોકળ! અમદાવાદની પ્રાચીન વાવ બની કચરાપેટી?
આજે સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે અને ‘જળ એ જ જીવન’ ના નારા સાથે પાણી બચાવવાના શપથ લેવાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના પૂર્વજોની અમૂલ્ય વિરાસત સમાન પ્રાચીન વાવોની સ્થિતિ અત્યંત ચિંતાજનક જોવા મળી છે. એક સમયે અમૃત સમાન પાણીનો સંગ્રહ કરવા માટે નિર્મિત આ સ્થાપત્યો આજે તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે ગંદકીના ગંજમાં ફેરવાઈ ગયા છે. અમદાવાદની શાન ગણાતી અડાલજની વાવને બાદ કરતાં શહેરની મોટાભાગની વાવોની સ્થિતિ દયનીય બની છે.
અસારવાની દાદા હરિની વાવ, માતર ભવાનીની વાવ, બાપુનગરની આશાપુરી વાવ, શ્રી મહાકાળી માતાજીની વાવ, ઉત્તમનગર બગીચાની વાવ, ઈસનપુરની જેઠાભાઈની વાવ, વાડજની વાવ અને પાંચ કૂવાની અમૃત વર્ષિણી વાવ જેવા ઐતિહાસિક સ્મારકો આજે જાળવણીના અભાવે પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે. આ સ્થાપત્યોને સ્મારકનો દરજ્જો તો મળ્યો છે, પરંતુ દેખરેખના અભાવે ત્યાં પગ મૂકવો પણ મુશ્કેલ બન્યો છે.
કોઈપણ આધુનિક ટેક્નોલોજી વગર સદીઓ પૂર્વે નિર્મિત આ મજબૂત બાંધકામો યોગ્ય સમારકામ વગર જર્જરિત થઈ રહ્યા છે. આ વાવોના પગથિયાં ઉતરતા ઇતિહાસની સુગંધને બદલે કોહવાયેલા કચરા અને દૂષિત પાણીની અસહ્ય દુર્ગંધ લોકોનું સ્વાગત કરે છે. જે વાવો પાણીના સંગ્રહનો મુખ્ય સ્ત્રોત હોવી જોઈએ, તે આજે માત્ર સોશિયલ મીડિયા માટે ફોટોશૂટ કરવાનું સ્થળ બનીને રહી ગઈ છે.
વિશ્વ જળ દિવસે તંત્ર દ્વારા મોટા કાર્યક્રમો અને શપથ લેવડાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં શહેરના જળસ્ત્રોતો અને પ્રાચીન વારસાની દરકાર લેવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. જાગૃત નાગરિકોની માંગ છે કે આ ઐતિહાસિક વાવોની સત્વરે સફાઈ કરવામાં આવે અને તેના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે નક્કર પગલાં લેવામાં આવે.