અમદાવાદ : પ્રેમ પ્રકરણ અને સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ કરી આત્મહત્યા, 4 લોકોની પોલીસે કરી ધરપકડ
અમદાવાદના બારેજા ગામમાં સંબંધોની ગૂંચવણ અને સામાજિક બદનામીના ડરે એક હસતા-રમતા પરિવારની સુખ-શાંતિ છીનવી લીધી છે. એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ, સોનાના હારનો વિવાદ અને સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને અંતે મૌતને વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગતો એવી છે કે, બાવળાના 30 વર્ષીય યુવકની બહેનના લગ્ન વર્ષ 2017માં બારેજાના અમિતભાઈ બેલદાર સાથે થયા હતા. સુખરૂપ ચાલતા સંસારમાં વમળો ત્યારે આવ્યા જ્યારે પરિણીતાને સ્થાનિક યુવક સમીર ઉર્ફે ગુડ્ડુ સાથે પ્રેમ સંબંધ બંધાયો. આ દરમિયાન પરિણીતાની નાની બહેને તેને એક પ્રસંગમાં પહેરવા માટે સોનાનો હાર આપ્યો હતો, જે હાર પરિણીતાએ વિશ્વાસ મૂકીને પોતાના પ્રેમી સમીરને આપી દીધો. જોકે, સમીરે આ વિશ્વાસનો દુરુપયોગ કરી પોતાના ભાઈ મુસ્તુફા મારફતે એ હાર જ્વેલર્સને ત્યાં ગીરવે મૂકી દીધો હતો. જ્યારે નાની બહેને પોતાનો હાર પરત માંગ્યો, ત્યારે પરિણીતાએ સમીર પાસે અવારનવાર હારની ઉઘરાણી કરી, પરંતુ કથિત પ્રેમીએ હાર પાછો આપવાને બદલે તેને દગો આપ્યો હતો.
આ આખી ઘટનાની જાણ સાસરિયાઓને થતા પરિણીતા માટે નરક જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ પ્રેમી હાર પાછો આપતો નહોતો અને બીજી તરફ પતિ અમિત તથા સાસુ મંજુલાબેને હાર પરત લાવવા માટે પરિણીતા પર માનસિક અને શારીરિક સિતમ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. આ વિવાદ એટલો વકર્યો કે ઘટનાના દિવસે પતિ અમિતે જાહેરમાં ઘરની બહાર પરિણીતા સાથે મારઝૂડ કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે. પોતાની સગી બહેનનો હાર પરત ન મળવાની ગ્લાનિ, પ્રેમી દ્વારા મળેલો વિશ્વાસઘાત અને સાસરિયાઓના મેણા-ટોણાથી ભાંગી પડેલી પરિણીતાએ અંતે કાળજું કઠણ કરી ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ગત 8મી માર્ચના રોજ કિશનભાઈને તેમના બનેવી અમિતભાઈનો ફોન આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તેમની બહેને ઘરમાં પડેલી સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી છે. તેને બારેજાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ આત્મહત્યાના મામલે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા કાયદાનો ગાળિયો કસાયો છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કરી આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુના હેઠળ મૃતકના પતિ અમિત, સાસુ મંજુલાબેન ઉર્ફે ટીનીબેન અને દગો આપનાર પ્રેમી સમીર ઉર્ફે ગુડ્ડુ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. એક સોનાના હાર અને ખોટા પ્રેમની જાળમાં ફસાયેલી પરિણીતાએ જે રીતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તેણે સમાજમાં સંબંધોની વિશ્વસનીયતા અને કૌટુંબિક દબાણ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.