AIMIMના અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં,સાંજે ખાનપુરમાં જાહેર સભાને સંબોધશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને અમદાવાદમાં 26 એપ્રિલે મતદાન યોજાશે. આ ચૂંટણી જંગમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે, ત્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ આજથી અમદાવાદના ખાનપુર ખાતેથી પોતાના ચૂંટણી પ્રચારની સત્તાવાર શરૂઆત કરવા જઈ રહી છે. પાર્ટી રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આશરે 630 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
અમદાવાદના 12 વોર્ડમાં 48 ઉમેદવારો ઉતારવાની વ્યૂહરચના
અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 48 વોર્ડ પૈકી 12 વોર્ડમાં લઘુમતી સમાજનું પ્રભુત્વ વધુ હોવાથી AIMIM દ્વારા આ વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પાર્ટી આ 12 વોર્ડમાં 48 જેટલા ઉમેદવારો ઉભા રાખશે. જેમાં ખાસ કરીને જમાલપુર, શાહપુર, દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, લાંભા, મકતમપુરા, વેજલપુર, સરખેજ, ગોમતીપુર અને વટવા વોર્ડનો સમાવેશ થાય છે.
ખાનપુરના જે.પી. ચોક ખાતે સાંજે 7 વાગ્યે જાહેર સભા
AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ આજે ગુજરાતના સ્થાનિક નેતાઓ સાથે મહત્વની બેઠકો કરશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે ખાનપુર વિસ્તારમાં આવેલા જે.પી. ચોક ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી પ્રચારના શ્રીગણેશ કરશે. ખાનપુર વિસ્તાર એ શાહપુર, દરિયાપુર અને જમાલપુર એમ ત્રણેય વોર્ડની બોર્ડર પર આવેલો હોવાથી વ્યૂહાત્મક રીતે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. અગાઉ વિધાનસભા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઓવૈસીએ આ જ સ્થળે સભા ગજવી હતી.
રાજ્યભરમાં 630 ઉમેદવારો ઉભા રાખવાનું લક્ષ્યાંક
AIMIM ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાર્ટી ગુજરાતમાં લઘુમતી પ્રભુત્વ ધરાવતી 5 મહાનગરપાલિકાઓ, 10 જેટલી નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મળીને કુલ 630 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત અમદાવાદના જમાલપુરમાંથી અફસાના બાનુ ચીસ્તી અને મકતમપુરા વોર્ડમાંથી ઝૈનબબીબીને ફરીથી ટિકિટ મળવાની પ્રબળ સંભાવના છે અને આ બે નામો લગભગ નિશ્ચિત મનાઈ રહ્યા છે.