April 1, 2026
ભારત

વજન વધ્યું તો નોકરી સમજો ગઈ!  વધુ વજન ધરાવતા કેબિન ક્રૂને ફ્લાઇટ્સમાંથી ઉડાન ભરતા રોકવામાં આવશે, જાણો શું છે એર ઇન્ડિયાના નવા નિયમો....

01:06:00 PM
Save
Mar 22, 2026
Share :

વજન વધ્યું તો નોકરી સમજો ગઈ!  વધુ વજન ધરાવતા કેબિન ક્રૂને ફ્લાઇટ્સમાંથી ઉડાન ભરતા રોકવામાં આવશે, જાણો શું છે એર ઇન્ડિયાના નવા નિયમો....

ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ તેના કેબિન ક્રૂ મેમ્બર્સ માટે એક અત્યંત કડક અને નવી હેલ્થ એન્ડ ફિટનેસ પોલિસીની જાહેરાત કરીને ઉડ્ડયન ક્ષેત્રમાં ચર્ચા જગાવી દીધી છે. 1 મે, 2026થી અમલમાં આવનારી આ નીતિ મુજબ, જો કોઈ ક્રૂ સભ્ય નિર્ધારિત શારીરિક માપદંડોમાં ખરો નહીં ઉતરે તો તેણે માત્ર જમીન પર જ રહેવું પડશે એટલું જ નહીં, પણ આર્થિક નુકસાન પણ વેઠવું પડશે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો કાયમી અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓને સમાન રીતે લાગુ પડશે. આ આખી કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય ફ્લાઇટ દરમિયાન સર્જાતી કટોકટીની સ્થિતિમાં ક્રૂ મેમ્બર્સની કાર્યક્ષમતા વધારવાનો અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

આ નવી વ્યવસ્થામાં બોડી માસ ઈન્ડેક્સ એટલે કે BMIને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ સ્પષ્ટ સૂચના આપી છે કે હવે કેબિન ક્રૂનું વજન અને BMI તપાસ ગમે ત્યારે, ગમે ત્યાં કરવામાં આવી શકે છે. પછી ભલે તે ફ્લાઇટમાં ડ્યુટી પર જતી વખતે હોય, તાલીમ દરમિયાન હોય કે પછી ટ્રેનિંગ એકેડેમીમાં અચાનક કરવામાં આવતી તપાસ હોય. જો તપાસ દરમિયાન કોઈ ક્રૂ મેમ્બરનું BMI 25 થી 29.9ની વચ્ચે એટલે કે 'વધુ વજન'ની શ્રેણીમાં આવશે, તો તેમને તાત્કાલિક અસરથી ફ્લાઇટની કામગીરીમાંથી દૂર કરી દેવામાં આવશે અને જ્યાં સુધી તેઓ કાર્યાત્મક ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે ત્યાં સુધી તેમને ફરજ પર પરત લેવામાં આવશે નહીં. આ પ્રક્રિયા દરમિયાન તેમના પગારમાં પણ કાપ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે.

સૌથી વધુ કડક વલણ 'સ્થૂળતા' એટલે કે 30થી વધુ BMI ધરાવતા કર્મચારીઓ સામે લેવામાં આવશે. આવા સભ્યોને કોઈપણ પ્રકારની છૂટછાટ આપ્યા વગર સીધા જ ડ્યુટી પરથી હટાવી દેવાશે અને તેમનો પગાર અટકાવી દેવામાં આવશે. આટલું જ નહીં, આવા કર્મચારીઓએ 7  દિવસની અંદર પોતાના ખર્ચે બ્લડ સુગર અને લિપિડ પ્રોફાઇલ જેવા તબીબી પરીક્ષણો કરાવીને તેના રિપોર્ટ સબમિટ કરવા પડશે. જૂના મેડિકલ રિપોર્ટ્સ હવે માન્ય ગણવામાં આવશે નહીં. જે સભ્યો સતત આ માપદંડોમાં નિષ્ફળ જશે તેમને ચેતવણી પત્રો અપાશે અને જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો મામલો હ્યુમન રિસોર્સ (HR) વિભાગ સુધી પહોંચશે, જેનાથી તેમની નોકરી પર પણ જોખમ ઊભું થઈ શકે છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ પગલું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ધોરણોને અનુરૂપ છે અને તેનો હેતુ ક્રૂ મેમ્બર્સને તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃત કરવાનો છે. જે ક્રૂ સભ્યો 'સામાન્ય' શ્રેણીમાં હશે તેમને કોઈ સમસ્યા નડશે નહીં, પરંતુ 'ઓછું વજન' ધરાવતા સભ્યોએ પણ મેડિકલ અને કાર્યાત્મક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડશે. કાર્યાત્મક મૂલ્યાંકન કસોટીમાં ક્રૂની સલામતી જાળવવાની ક્ષમતા અને કટોકટીની સ્થિતિમાં તેમની ચપળતાની કસોટી કરવામાં આવશે. આ ટેસ્ટ પાસ કરવા માટે કર્મચારીઓને ત્રણ પ્રયાસો અને વિશેષ કોચિંગની સુવિધા પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા અગાઉ પણ વજનના મુદ્દે કડક રહી છે, પરંતુ આ વખતે ટાટા ગ્રૂપના નેતૃત્વ હેઠળની આ નીતિ વધુ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ જણાતી હોવાથી કર્મચારી આલમમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.