એર ઈન્ડિયા ફ્લાઈટ-171 દુર્ઘટના: યુકે રેગ્યુલેટરે પરિવારોને કહ્યું, 'અમે માત્ર નિષ્ણાત, ટેકનિકલ રિવ્યુનો કોઈ અધિકાર નથી'

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તૂટી પડેલા એર ઈન્ડિયા ફ્લાઈટ-171 ના પીડિત બ્રિટિશ નાગરિકોના પરિવારોને યુકેની એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ તરફથી નિરાશાજનક જવાબ મળ્યો છે. AAIB એ સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ભારતની આગેવાની હેઠળ ચાલી રહેલી આ તપાસમાં યુકે માત્ર એક "નિષ્ણાત" તરીકે સામેલ છે અને તેમને આ દુર્ઘટનાનો ટેકનિકલ રિવ્યુ કરવાની કોઈ સત્તા નથી.
તપાસમાં યુકેની ભૂમિકા મર્યાદિત: પ્રિન્સિપલ ઇન્સ્પેક્ટરની સ્પષ્ટતા
પ્રિન્સિપલ ઇન્સ્પેક્ટર ગેરેન્ટ હર્બર્ટે જણાવ્યું હતું કે, લગભગ 10 પરિવારોના સંપર્ક બાદ આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સિવિલ એવિએશનના એનેક્સ 13 મુજબ, યુકેના નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાથી યુકેને માત્ર નિષ્ણાતનો દરજ્જો મળ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની ટીમ અકસ્માત સ્થળની મુલાકાત લઈ શકે છે અને અંતિમ અહેવાલ મેળવી શકે છે, પરંતુ તપાસના ટેકનિકલ પાસાઓ પર તેમને કોઈ સીધો અધિકાર નથી.
પ્રારંભિક અહેવાલો નિર્ણાયક નથી, NTSB અને બોઈંગ તપાસમાં સામેલ
AAIB એ પરિવારોને ચેતવણી આપી છે કે પ્રારંભિક તારણોને અંતિમ માનવા જોઈએ નહીં, કારણ કે વધુ તપાસ બાદ વિગતો બદલાઈ શકે છે. પત્રમાં જણાવાયું છે કે અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને વિમાન નિર્માતા બોઈંગ ટેકનિકલ તપાસમાં સંપૂર્ણપણે સામેલ છે અને તેમનું વિશ્લેષણ ભારતીય તપાસમાં ઉમેરવામાં આવશે. પરિવારોની ચિંતાઓનો અંતિમ અહેવાલમાં ઉકેલ આવી શકે છે. જોકે, અંતિમ અહેવાલ ક્યારે આવશે તે અંગે ભારતીય સત્તાવાળાઓ તરફથી કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી.
પીડિત પરિવારોની બ્લેક બોક્સ ડેટા જાહેર કરવાની માંગ
દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે જોડાયેલા સામાજિક કાર્યકર કુલદીપ ઈશરાણીએ જણાવ્યું કે લગભગ 5 પરિવારોને AAIB તરફથી સમાન જવાબો મળ્યા છે. દરમિયાન, અમદાવાદમાં પીડિતોના સંબંધીઓએ સત્ય જાણવા માટે પ્રયાસો તેજ કર્યા છે. પરિવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુને પત્ર લખીને બ્લેક બોક્સ ડેટા તાત્કાલિક જાહેર કરવાની ઉગ્ર માંગ કરી છે.
12 જૂનની ગોઝારી દુર્ઘટના અને પ્રારંભિક કારણ
ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ લંડન ગેટવિક જઈ રહેલું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ધરાશાયી થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં 53 બ્રિટિશ નાગરિકો સહિત વિમાનમાં સવાર 260 લોકો અને જમીન પર રહેલા 19 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એક મહિના બાદ આવેલા પ્રારંભિક અહેવાલમાં જણાવાયું હતું કે ઉડાન ભર્યા બાદ એન્જિનમાં બળતણનો પુરવઠો કપાઈ જવાના કારણે વિમાને થ્રસ્ટ ગુમાવ્યું હતું, જે અકસ્માતનું પ્રાથમિક કારણ હોઈ શકે છે.