રાજકોટ સ્પાઈ કેમેરા કાંડ: તોડબાજ પત્રકાર અજયસિંહ ચુડાસમાની કરી ધરપકડ, ક્લિનિકમાં વીડિયો ઉતારી 25 લાખની ખંડણી માંગવાનો આક્ષેપ
રાજકોટ શહેરમાં એક પ્રતિષ્ઠિત ડોક્ટરના ક્લિનિકમાં સ્પાઈ કેમેરો લગાવી તેમની અંગત પળોના વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં તપાસ કરી રહેલી રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે આજે મોટી સફળતા મેળવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અને પત્રકારત્વના ઓઠા હેઠળ ખંડણીનું નેટવર્ક ચલાવતા કથિત પત્રકાર અજયસિંહ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, આરોપી અજયસિંહ ચુડાસમા અને તેના સાગરીતોએ ડોક્ટરના ક્લિનિકમાં ગુપ્ત રીતે સ્પાઈ કેમેરો ગોઠવ્યો હતો.
આ કેમેરા દ્વારા મેળવેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને ડોક્ટર પાસેથી 25 લાખ રૂપિયાની મસમોટી ખંડણી માંગવામાં આવી હતી. ડોક્ટરે હિંમત દાખવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. ધરપકડ કરાયેલ આરોપી અજયસિંહ ચુડાસમા 'સત્યની ગર્જના' નામની યુટ્યુબ ચેનલમાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. પોતે પત્રકાર હોવાની ઓળખ આપીને તે લોકો પર ધાક-ધમકી જમાવતો હતો. પત્રકારત્વ જેવા પવિત્ર વ્યવસાયનો દુરુપયોગ કરીને ડોક્ટરો અને વેપારીઓને ટાર્ગેટ કરી બ્લેકમેઈલિંગ કરવાનું મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અજયસિંહ ચુડાસમા કોઈ શિખાઉ ગુનેગાર નથી, પરંતુ તે લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ અગાઉ મારામારી, પ્રોહીબિશન અને આર્મ્સ એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પત્રકાર બનતા પહેલા પણ તે અનેક અસમાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અજયસિંહની કડી મેળવી હતી.
પોલીસને આશંકા છે કે આ માત્ર એક ડોક્ટરનો કિસ્સો નથી, પરંતુ આ ટોળકીએ અન્ય કેટલાય લોકોને પણ સ્પાઈ કેમેરા કે અન્ય માધ્યમોથી બ્લેકમેઈલ કર્યા હોઈ શકે છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.છેલ્લા કેટલાક સમયથી પત્રકારના નામે તોડબાજી કરતી ગેંગ સક્રિય થઈ છે. અજયસિંહ ચુડાસમા જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સની ધરપકડ થતા જ પત્રકારત્વના નામે ધાક જમાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ સાયબર ક્રાઈમે આરોપી અજયસિંહ ચુડાસમાને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ બ્લેકમેઈલિંગ રેકેટમાં તેની સાથે અન્ય કયા પત્રકારો કે સાગરીતો સંડોવાયેલા છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. પોલીસ કમિશનરે પણ સ્પષ્ટ કર્યું છે કે શહેરના કોઈ પણ નાગરિકને બ્લેકમેઈલ કરનાર તત્વોને છોડવામાં આવશે નહીં.