અક્ષય કુમાર ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝ ડેટ બદલાઈ, હવે 16 એપ્રિલે આવશે
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અભિનીત આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મહત્વના સમાચાર છે. નિર્માતાઓએ આ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 10 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ હવે 16 એપ્રિલ, 2026 ના રોજ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે.
રણવીર સિંહની ફિલ્મની સફળતા બની કારણ
ફિલ્મના સહ-નિર્માતા એકતા કપૂરે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ ફેરફાર અંગે સત્તાવાર માહિતી આપી હતી. સિનેમાઘરોમાં રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ શાનદાર પ્રદર્શન કરી રહી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકતા કપૂરે જણાવ્યું હતું કે, "વિતરકો અને પ્રદર્શકો સાથેના સામૂહિક નિર્ણય પછી અમે ‘ભૂત બંગલા’ માટે 16 એપ્રિલની નવી રિલીઝ ડેટ નક્કી કરી છે, જેમાં પ્રથમ શો રાત્રે 9 વાગ્યે શરૂ થશે. ‘ધુરંધર: ધ રિવન્જ’ અસાધારણ પ્રદર્શન કરી રહી છે, જે ફિલ્મ ઉદ્યોગ માટે આનંદના સમાચાર છે. આ ફેરફારથી બંને ફિલ્મોને પૂરતી સ્પેસ અને ધ્યાન મળશે."
અક્ષય અને પ્રિયદર્શનની હિટ જોડીનું પુનરાગમન
‘ભૂત બંગલા’ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શનની હિટ જોડી લાંબા સમય પછી મોટા પડદે પરત ફરી રહી છે. અગાઉ આ જોડીએ અનેક આઇકોનિક કોમેડી ફિલ્મો આપી હોવાથી પ્રેક્ષકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. અક્ષય કુમાર ઉપરાંત આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં વામીકા ગબ્બી, પરેશ રાવલ, તબુ, રાજપાલ યાદવ, જિશુ સેનગુપ્તા અને મિથિલા પાલકર જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ બાલાજી મોશન પિક્ચર્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત છે.
'ડકેત' ફિલ્મને મળશે સોલો રિલીઝનો ફાયદો
‘ભૂત બંગલા’ની રિલીઝ પાછળ ઠેલાતા હવે બોક્સ ઓફિસ પર મોટો ક્લેશ ટળ્યો છે. આ ફેરફારનો સીધો ફાયદો અદિવિ શેષ, અનુરાગ કશ્યપ અને મૃણાલ ઠાકુર અભિનીત નવી ફિલ્મ ‘ડકેત’ ને થશે. સુપ્રિયા યારલાગડ્ડા દ્વારા નિર્મિત આ ફિલ્મ હવે 10 એપ્રિલ, 2026 ના રોજ કોઈપણ મોટી સ્પર્ધા વિના સિનેમાઘરોમાં સોલો રિલીઝ થશે. જ્યારે અક્ષય કુમારના ચાહકોએ તેમની નવી હોરર-કોમેડીની મજા માણવા માટે વધુ 6 દિવસની રાહ જોવી પડશે.