દુબઈ શૂટિંગ પર ગ્રહણ: શાહરુખ બાદ હવે અક્ષય કુમારની ફિલ્મનું શૂટિંગ અટવાયું
વર્તમાનમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે પશ્ચિમ એશિયામાં અશાંતિનો માહોલ છે. આ ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હવે બોલિવૂડના મોટા પ્રોજેક્ટ્સ પર જોવા મળી રહી છે. સુરક્ષાના કારણોસર અને દુબઈમાં અનિશ્ચિત પરિસ્થિતિને જોતા નિર્માતાઓએ વિદેશી શૂટિંગ શિડ્યુલ પડતા મૂકવાની ફરજ પડી રહી છે. તાજેતરમાં જ કિંગ ખાન શાહરુખ ખાને પોતાની આગામી ફિલ્મ 'કિંગ'નું દુબઈ શૂટિંગ કેન્સલ કરી મુંબઈના પાર્લા વિસ્તારમાં શૂટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ જ પગલે ચાલીને હવે અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ના નિર્માતાઓએ પણ દુબઈનું શૂટિંગ શિડ્યુલ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ના એક મહત્વના ગીતના દ્રશ્યો માટે અગાઉ દુબઈની પસંદગી કરવામાં આવી હતી. જોકે, હવે બદલાયેલી પરિસ્થિતિમાં આ શૂટિંગ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા મઢ આઈલેન્ડમાં જ કરવામાં આવશે. આ નિર્ણયને કારણે નિર્માણ ખર્ચ અને સમયના વ્યવસ્થાપનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
દુબઈ જેવો જ લુક આપવા માટે સ્ટુડિયોમાં ખાસ નાઈટ ક્લબ, આધુનિક કસીનો અને પ્રાઈવેટ જેટના ભવ્ય સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આર્ટ ડાયરેક્ટર્સ દિવસ-રાત મહેનત કરીને આ આંતરરાષ્ટ્રીય સ્તરના લોકેશન્સ ઉભા કરી રહ્યા છે. આ ખાસ ગીતમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ફોજ જોવા મળશે. જેમાં અક્ષય કુમારની સાથે રવીના ટંડન, જેકી શ્રોફ, પરેશ રાવલ, લારા દત્તા, દિશા પટાણી, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડિઝ અને શ્રેયસ તલપડે જેવા કલાકારો એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે.
આ ગીત ફિલ્મના મુખ્ય આકર્ષણોમાંનું એક હશે. 'વેલકમ' ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ હોવાથી ચાહકોમાં પહેલેથી જ ભારે ક્રેઝ છે. શૂટિંગ લોકેશનમાં ફેરફાર થયો હોવા છતાં, મેકર્સ ખાતરી આપી રહ્યા છે કે ફિલ્મના મનોરંજન અને સ્કેલમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. 'વેલકમ ટુ ધ જંગલ' એક લાર્જર ધેન લાઈફ કોમેડી એક્શન ફિલ્મ હશે જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.