ખૂંખાર પંજા અને કાળજું ધ્રુજાવતી આંખો: અલ્લુ અર્જુને 'RAAKA'ના ફર્સ્ટ લુકથી સોશિયલ મીડિયા પર લગાવી આગ!
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ નિમિત્તે સિને જગતમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી જે પ્રોજેક્ટને ગુપ્ત રીતે 'AA22xA6' તરીકે ઓળખવામાં આવતો હતો, તેનું સત્તાવાર શીર્ષક 'રાકા' જાહેર કરવામાં આવ્યું છે. સન પિક્ચર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રથમ પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેણે ગણતરીની મિનિટોમાં જ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. ફિલ્મના પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો લુક અત્યંત ડરામણો અને રહસ્યમય જોવા મળે છે. પોસ્ટરમાં સુપરસ્ટારનો ક્લોઝ-અપ લુક બતાવવામાં આવ્યો છે, જેમાં મુંડન કરેલું માથું, અડધા કપાયેલા વાળ અને ધારદાર નખવાળા પંજાથી ઢંકાયેલો ચહેરો જોવા મળે છે.
ભેદી કાળી આંખો અને 'ભેડિયા' જેવો ખૂંખાર અવતાર જોઈને ચાહકો હેબતાઈ ગયા છે. આ લુક સંકેત આપે છે કે 'પુષ્પા' બાદ અલ્લુ અર્જુન ફરી એકવાર બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચવા તૈયાર છે. આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ તેની સ્ટાર કાસ્ટ અને ટેકનિકલ ટીમ છે. બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' ના નિર્દેશક એટલી આ ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે. એટલું જ નહીં, અલ્લુ અર્જુન સાથે પ્રથમ વખત બોલિવૂડ ક્વીન દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. અલ્લુ અને દીપિકાની આ ફ્રેશ જોડીને પડદા પર જોવા માટે ફેન્સ અત્યારથી જ આતુર બન્યા છે. નિર્માતાઓએ પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "એવી દુનિયા માટે તૈયાર થઈ જાઓ જે તમામ સીમાઓથી પર છે."
આ સંદેશ ફિલ્મના ભવ્ય સ્કેલ અને અનોખી વાર્તા તરફ ઈશારો કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એટલી આ ફિલ્મ દ્વારા ભારતીય સિનેમામાં એક્શન અને થ્રિલરનો એક નવો બેન્ચમાર્ક સેટ કરવા જઈ રહ્યા છે, જેમાં અલ્લુ અર્જુન અત્યાર સુધીના સૌથી પડકારજનક પાત્રમાં જોવા મળશે. અલ્લુ અર્જુન હાલમાં તેની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ 'રાકા' ની જાહેરાતે તેના આગામી લાઇન-અપ પ્રત્યે લોકોની ઉત્તેજના બમણી કરી દીધી છે. એટલીનું માસ્ટરમાઇન્ડ ડાયરેક્શન, દીપિકા પાદુકોણનો ગ્લેમરસ અંદાજ અને અલ્લુ અર્જુનની માસ અપીલ - આ ત્રિપુટી વર્ષ 2027માં બોક્સ ઓફિસ પર મોટો ધડાકો કરશે તેવું લાગી રહ્યું છે.