છોટાઉદેપુરના અંબાલા ગામની સદીઓ જૂની અનોખી પરંપરા: વરરાજાને બદલે કુંવારી બહેન જાન લઈને જાય છે પરણવા
છોટાઉદેપુર જિલ્લાનું અંબાલા ગામ પોતાની એક વિશિષ્ટ અને સદીઓ જૂની વૈવાહિક પરંપરાના કારણે સમગ્ર રાજ્યમાં અલગ ઓળખ ધરાવે છે. આ ગામમાં લગ્ન પ્રસંગે કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઈને જતા નથી કે ગામમાં પરણવા આવતા નથી. તેના બદલે, વરરાજાની કુંવારી બહેન જાન લઈને જાય છે અને નણંદ-ભાભી સાથે મળીને મંગળ ફેરા ફરી લગ્નવિધિ પૂર્ણ કરે છે.
ગામ દેવતા 'બાબા ભરમાં દેવ' ના ત્યાગના માનમાં શરૂ થઈ પરંપરા
અંબાલા ગામમાં સદીઓથી ચાલી આવતી આ અનોખી પરંપરા પાછળ એક ઊંડી ધાર્મિક માન્યતા જોડાયેલી છે. સ્થાનિક માન્યતા અનુસાર, ગામના આરાધ્ય દેવ 'બાબા ભરમાં દેવ' અન્ય લોકોના લગ્ન કરાવતા રહ્યા હતા, પરંતુ તેમણે આજીવન કુંવારા રહીને બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. સદીઓ પહેલાં ગામ દેવતાના આ ત્યાગ અને સમર્પણના માનમાં ગ્રામજનોએ એવો નિર્ણય લીધો હતો કે ગામમાંથી ક્યારેય કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઈને જશે નહીં, અને બહારથી કોઈ વરરાજા જાન લઈને ગામમાં પરણવા આવશે પણ નહીં.
નણંદ અને ભાભી ફરે છે મંગળ ફેરા, ત્યારબાદ ઘરે થાય છે વિધિ
આ પરંપરા મુજબ, લગ્ન પ્રસંગે વરરાજાના બદલે તેમની કુંવારી બહેન માથે પાટી મૂકીને જાન લઈને કન્યાને પરણવા જાય છે. લગ્નવિધિ દરમિયાન મંડપમાં નણંદ અને ભાભી સાથે મળીને મંગળ ફેરા ફરે છે. આ ફેરા પૂર્ણ થયા બાદ જ કન્યાને વિદાય આપીને વરરાજાના ઘરે લાવવામાં આવે છે. ઘરે પહોંચ્યા પછી વરરાજા અને કન્યા વચ્ચે ફરીથી ધાર્મિક વિધિસર લગ્ન કરવામાં આવે છે અને દંપતીને વૈવાહિક બંધનમાં બાંધવામાં આવે છે.
નિયમ તોડનારનું લગ્નજીવન નિષ્ફળ રહ્યાની સ્થાનિકોમાં માન્યતા
હાલમાં જ ગામમાં સુરસીંગ રાઠવા નામના યુવકના લગ્ન લેવાયા છે. આ ઐતિહાસિક પરંપરા અંગે વરરાજા સુરસીંગ રાઠવાએ જણાવ્યું હતું કે, "આ પરંપરા અમારા ગામના લોકો આજે પણ અડગ રીતે નિભાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે." ગ્રામજનોમાં એવી લોકવાયકા પણ પ્રચલિત છે કે ભૂતકાળમાં 2 વરરાજાઓએ આ નિયમ તોડીને ઘોડે ચઢીને જાન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું લગ્નજીવન સફળ રહ્યું નહોતું.