ચૂંટણી પંચે જે નામ કાપ્યું હતું તે હાઇકોર્ટે ઉમેરાવ્યું: સાબરમતી વોર્ડ-4 ના ઉમેદવારને મળી રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જંગ પહેલા ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાબરમતી વોર્ડ નંબર 4ના એક ઉમેદવારનું નામ મતદાર યાદીમાં ન હોવાને કારણે તેમની ઉમેદવારી પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હાઇકોર્ટે આ મામલે મધ્યસ્થી કરીને તેમનું નામ તાત્કાલિક યાદીમાં ઉમેરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો કોઈ નાગરિકનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં હોય, તો તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડતા રોકી શકાય નહીં.
રાજ્ય ચૂંટણી પંચને આદેશ આપતા કોર્ટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી ઘડીએ અરજદાર વર્ષા કટારા માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કરી દીધો છે, જેના કારણે સાબરમતી વોર્ડના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા ઈચ્છતા સાબરમતી વિસ્તારના ઉમેદવાર વર્ષા કટારાની અરજી પર ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્ટેટ ઇલેક્શન કમિશન અને સંબંધિત ઓથોરિટીને આદેશ આપ્યો છે કે અરજદારનું નામ સાબરમતી વોર્ડ નંબર 4 ની મતદાર યાદીમાં તાત્કાલિક સામેલ કરવામાં આવે. અરજદારનું નામ SIRની યાદીમાં ન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક યાદીમાં પણ તેમનું નામ બાકાત રહ્યું હતું.
જોકે, અરજદારે 23 માર્ચ 2026ના રોજ નામ ઉમેરવા માટે અરજી કરી હતી, કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, "રાજ્ય ચૂંટણી પંચનું કાર્ય વિધાનસભાની તૈયાર મતદાર યાદીના આધારે જ મહાનગરપાલિકાની યાદી તૈયાર કરવાનું છે. પંચ પાસે સ્વતંત્ર રીતે નામ ઉમેરવા કે ઘટાડવાનો અધિકાર નથી." કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિકનું નામ વિધાનસભાની યાદીમાં સામેલ હોય, તો તે આપોઆપ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હકદાર બને છે. કોર્ટે નોંધ્યું કે અરજદારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા અને નિયત સમય મર્યાદામાં અરજી કરી હતી.આ સંજોગોમાં તેમને લોકશાહી પ્રક્રિયાથી વંચિત રાખી શકાય નહીં.