સ્થાનિક સ્વરાજની ચૂંટણી : અમિત ચાવડાએ કહ્યું, ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ નહીં મળે, યુવાનોને તક અપાશે, કોંગ્રેસ આવતીકાલે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરશે...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં આગામી ચૂંટણીઓની રણનીતિ અંગે ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા અને નૈતિકતા પર વિશેષ ભાર મૂક્યો છે. અમિત ચાવડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા કોઈપણ વ્યક્તિને પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવશે નહીં. તેના બદલે, પક્ષ આ વખતે યુવાને પ્રાધાન્ય આપવા જઈ રહ્યો છે અને વધુમાં વધુ યુવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. પ્રભારીઓએ સ્થાનિક નેતાઓ સાથે પાયાના સ્તરની તમામ વિગતો પર ચર્ચા કરી છે, જેના આધારે નવ કોર્પોરેશન માટેની યાદી તૈયાર કરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રથમ લિસ્ટ આવતીકાલે જાહેર કરવામાં આવશે અને આગામી ચાર દિવસમાં તમામ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.
બીજી તરફ, ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં 'ભરતી મેળો' પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે, જે પક્ષ માટે ઉત્સાહવર્ધક સમાચાર છે. ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં અનેક સામાજિક અને સહકારી અગ્રણીઓએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કઠલાલ APMCના પૂર્વ ચેરમેન હસમુખ પરમાર, જાણીતા સામાજિક અગ્રણી ઇન્દ્રવદન પરમાર અને રમેશ પરમાર સહિત 15થી વધુ મુખ્ય કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ તમામ અગ્રણીઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ભાજપ સાથે છેડો ફાડીને આવેલા આ મજબૂત નેતાઓના કારણે સ્થાનિક સ્તરે કોંગ્રેસનું પલ્લું ભારે થયું હોય તેવું જણાય છે, જેની સીધી અસર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે.