April 1, 2026
ગુજરાત

કાળમુખો હાઈવે: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણ જિંદગી હોમાઈ

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કાળમુખો હાઈવે: </strong></span>જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણ જિંદગી હોમાઈ</p>

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ફરી એકવાર રક્તરંજિત બન્યો છે,  છેલ્લા 24 કલાકમાં ગુલાબનગર ઓવરબ્રિજ અને ધ્રોલ પાસે સર્જાયેલા બે અલગ-અલગ ભયાનક માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. પૂરઝડપે આવતા વાહનોએ નિર્દોષ વાહનચાલકોને અડફેટે લેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પંચકોશી બી. ડિવિઝન અને ધ્રોલ પોલીસે આ મામલે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુલાબનગર ઓવરબ્રિજ અને ધ્રોલ પાસે સર્જાયેલા બે ભયાનક અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતનો પ્રથમ બનાવ જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ પર બન્યો હતો. 20 વર્ષીય યુવાન મોઇનુદ્દીન હુસેન સૈયદ બુખારી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક બાઈક (GJ-10-EG-2735) ના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોઇનુદ્દીનને ગંભીર ઇજાઓ પહોંચતા જી.જી. હોસ્પિટલ ખાતે દમ તોડ્યો હતો. ટક્કર મારનાર બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થઈ છે. પંચકોશી બી. ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજો ગોઝારો અકસ્માત ધ્રોલ પાસે જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયો હતો. બાઈક પર જઈ રહેલા સોમાભાઈ વશરામભાઈ ડામોર (51 વર્ષ) અને તેમની પાછળ બેઠેલા મહિલા લીલાબેન રમેશભાઈ ડામોર (38 વર્ષ) ને પૂરઝડપે આવતી એક ઈકો કાર (GJ-03-LR-8976) ના ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેને સારવાર મળે તે પહેલા જ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ધ્રોલ પોલીસે ઈકો કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધખોળ ચલાવી રહી છે. જી.જી. હોસ્પિટલ ખાતે ત્રણેય મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી પોલીસે આગળની તપાસ તેજ કરી છે.