અમરેલીમાં ધરા ધ્રૂજી : સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભીય હલચલ તેજ બની છે, જેના પરિણામે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં કુદરતનો અજીબોગરીબ પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં એક પછી એક સાત જેટલા આંચકા અનુભવાતા સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ પસાર થઈ ગયું હતું. વહેલી સવારના શાંત વાતાવરણમાં અચાનક ધરતીમાં ધ્રુજારી શરૂ થતા ગાઢ નિદ્રામાં પોઢેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. સાથોસાથ મીતીયાળા સહિત આસપાસના ભાડ, નાનુંડી, ધજડી, સાકરપુરા અને વાંકિયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગાંધીનગર સ્થિત સિસમોલોજી વિભાગ દ્વારા આ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે.
આ ભૂકંપની વિગતો મુજબ, આ સિલસિલો વહેલી સવારે 4.15 વાગ્યે 1.8ની તીવ્રતાના આંચકા સાથે શરૂ થયો હતો. ત્યારબાદ માત્ર એક જ મિનિટના અંતરે 4.16 મિનિટે 2.3ની તીવ્રતાનો બીજો ઝટકો અનુભવાયો હતો. ઘટનાની ગંભીરતા ત્યાં અટકી નહોતી, કારણ કે 4.24 કલાકે 1.0 અને 4.57 મિનિટે 1.4ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. સૂર્યોદય બાદ પણ ધરતી શાંત થઈ નહોતી અને સવારે 7.00 વાગ્યે 2.2ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ 7.15 મિનિટે સૌથી વધુ 3.58ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેણે લોકોને હચમચાવી દીધા હતા. અંતે 7.51 મિનિટે 1.5ની તીવ્રતાનો સાતમો આંચકો નોંધાયો હતો. આ તમામ ભૂકંપના આંચકાઓનું કેન્દ્રબિંદુ અમરેલી શહેરથી અંદાજે 43 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
સતત થતી આ ભૌગોલિક હલચલને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને ગ્રામજનોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વારંવાર આવતા આ 'અર્થક્વેક સ્વાર્મ' (Earthquake Swarm)ને કારણે મીતીયાળા પંથકના લોકોમાં ફાળ પડી છે કે ક્યાંક ભવિષ્યમાં કોઈ મોટો ભૂકંપ ન ત્રાટકે.