ગંભીરા બ્રિજ ફરી ધમધમશે: 9 મહિનાના લાંબા ઈન્તજારનો અંત, વાહનચાલકોને મોટી રાહત
નવ મહિનાના લાંબા ઇન્તજાર અને હાલાકી બાદ આખરે ગંભીરા બ્રિજ પર ફરી વાહનોના પૈડાં ગતિમાન થશે. આગામી 1 એપ્રિલથી આણંદ અને વડોદરાને જોડતા બ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર શરૂ કરી દેવામાં આવશે ,ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈ, 2025ના રોજ વહેલી સવારે બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતાં 21 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા બ્રિજ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. પરિણામે વાહનચાલકોને આણંદ-વડોદરા વચ્ચે મુસાફરી કરવા માટે 40 કિલોમીટર જેટલો વધારાનો ફેરો ખાવો પડતો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને મુશ્કેલી જોવા મળી હતી.
રાજ્ય સરકારે જનતાની હાલાકીને ગંભીરતાથી લઈ ત્વરિત મરામતનો નિર્ણય લીધો હતો. આશરે 9 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજનો તૂટેલો ભાગ ફરીથી તૈયાર કરવામાં આવ્યો છે. લોખંડના મજબૂત માળખા સાથે નવો પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે રાહદારીઓ અને ટુ-વ્હીલર માટે સુરક્ષિત રીતે પસાર થઈ શકાય તેવો બનાવવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી આ કામગીરી રાત-દિવસ ચાલુ હતી. નવનિર્મિત ભાગની મજબૂતી ચકાસવા માટે 1 એપ્રિલના રોજ વહીવટી તંત્ર દ્વારા ટ્રાયલ રન લેવામાં આવશે.
આ દરમિયાન નિર્ધારિત વાહનોને બ્રિજ પરથી પસાર કરીને તેની સ્થિરતાનું નિરીક્ષણ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ રહેશે, તો તરત જ ટુ-વ્હીલર અને પગપાળા અવરજવરની મંજૂરી અપાશે.પ્રારંભિક તબક્કે બ્રિજ પરથી માત્ર ટુ-વ્હીલર અને રાહદારીઓને જ પ્રવેશ આપવામાં આવશે. ફોર-વ્હીલર (કાર) અને અન્ય તમામ ભારે વાહનોના પ્રવેશ પર હાલમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બ્રિજના બંને છેડે ટ્રાફિક પોલીસ અને વહીવટી સ્ટાફ તૈનાત રહેશે, બ્રિજ પર ન આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ માર્ગ-મકાન વિભાગના એન્જિનિયરો અને નિષ્ણાંત અધિકારીઓ બ્રિજની સ્થિતિનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે.
આ ટેકનિકલ રિપોર્ટના આધારે ભવિષ્યમાં મોટા વાહનો માટે બ્રિજ ક્યારે ખુલ્લો મૂકવો તે અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.આ બ્રિજ ફરી શરૂ થવાથી આણંદ અને વડોદરા વચ્ચે અપ-ડાઉન કરતા હજારો નોકરિયાતો, શ્રમિકો અને વેપારીઓના સમય તથા ઈંધણની મોટી બચત થશે.