અમદાવાદના જગન્નાથ મંદિરે અનંત અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી : ગજરાજ પૂજન, ભવ્ય રંગોળી અને વિશેષ પૂજા સાથે ગુંજ્યો મંદિર પરિસર...
અમદાવાદના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા ડાયરેક્ટર અનંત અંબાણીના જન્મદિવસની અત્યંત ભાવપૂર્ણ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. અનંતના સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ દ્વારા વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીના ચરણોમાં શિશ નમાવીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરને વિશેષ રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
મંદિરના પ્રાંગણમાં કલાકારો દ્વારા અદભૂત સર્જનાત્મકતાના દર્શન કરાવતી 15 x 15 ફૂટની વિશાળ અને મનમોહક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. વિવિધ રંગોના મિશ્રણથી તૈયાર થયેલી આ રંગોળીમાં મંગલકારી પ્રતીકો કંડારવામાં આવ્યા હતા, જે જન્મદિવસની ભવ્યતામાં વધારો કરતી હતી.
ખાસ કરીને, ગણપતિ મહારાજના સ્વરૂપ મનાતા ગજાનન ગજરાજ મહારાજ એટલે કે મંદિરના હાથીઓનું પણ વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં ગજરાજની પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવે છે, અને અનંત પ્રત્યેના આદરભાવ સાથે આ પરંપરાગત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પાવન અવસરે માત્ર પૂજા-પાઠ જ નહીં, પરંતુ સેવાકીય પ્રવૃત્તિઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મંદિર પરિવાર દ્વારા સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. ભોજનની સાથે-સાથે તમામ સાધુ-સંતોને વસ્ત્રદાન પણ કરવામાં આવશે તેવું આયોજન કરાયું છે. સંતોએ પણ હૃદયપૂર્વક અનંત અંબાણીને આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, પરંપરાગત ભક્તિ અને દાન-ધર્મના સમન્વય સાથે અમદાવાદના જગન્નાથ મંદિરે અનંત અંબાણીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો, જે અંબાણી પરિવારની આધ્યાત્મિક આસ્થા અને જગન્નાથ મંદિર પ્રત્યેના અતૂટ જોડાણને પ્રતિબિંબિત કરે છે.