નિઃસંતાન પત્નીના મૃત્યુ બાદ પિયરની મિલકત પર પતિનો કોઈ હક નહીં : આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો...
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની વ્યાખ્યા કરતા એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે, જે મહિલાઓની સંપત્તિના અધિકારો પર નવી રોશની પાડે છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ હિન્દુ મહિલાને તેના માતા-પિતા તરફથી વારસામાં કોઈ મિલકત મળી હોય અને જો તે મહિલાનું સંતાન વગર અને વસીયત કર્યા વિના મૃત્યુ થાય, તો તેવી સ્થિતિમાં તે મિલકત તેના પતિ કે સાસરી પક્ષને મળવાને બદલે તેના પિતાના કાયદેસરના વારસદારોને પરત મળશે. જસ્ટિસ તરલાદા રાજશેખર રાવે કેટલીક કલમોનો હવાલો આપતા સમજાવ્યું હતું કે કાયદાની આ જોગવાઈ એકદમ સ્પષ્ટ છે. જ્યારે કોઈ મહિલા નિ:સંતાન મૃત્યુ પામે છે ત્યારે પિયર પક્ષ તરફથી મળેલી મિલકત પર તેના પતિનો કોઈ કાયદેસરનો દાવો રહેતો નથી, કારણ કે આવી મિલકતનો સ્ત્રોત તેના પિતાનો પરિવાર છે.
આ કેસની વિગતો તપાસીએ તો વિવાદ એક દાદી દ્વારા તેમની પ્રથમ પૌત્રીને વર્ષ 2002માં ભેટમાં આપેલી મિલકતથી શરૂ થયો હતો. આ મિલકત પૌત્રીના નામે રેવન્યુ રેકોર્ડમાં નોંધાઈ ગઈ હતી અને તેને પટ્ટાદાર પાસબુક પણ મળી ગઈ હતી. જોકે, વર્ષ 2005માં આ પૌત્રીનું સંતાન વગર અવસાન થયું. પૌત્રીના મૃત્યુ બાદ દાદીએ અગાઉ આપેલો ગિફ્ટ ડીડ રદ કર્યો અને એક નવી વસીયત બનાવીને તે મિલકત તેમની બીજી પૌત્રી (અરજદાર) નામે કરી દીધી. વર્ષ 2012માં દાદીના અવસાન બાદ જ્યારે બીજી પૌત્રીએ મિલકત પોતાના નામે ચડાવવા અરજી કરી, ત્યારે પ્રથમ મૃતક પૌત્રીના પતિએ આ પ્રક્રિયાનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે પત્નીના મૃત્યુ બાદ તે મિલકતનો માલિક તે પોતે છે.
આ કાયદાકીય લડાઈમાં નીચલી મહેસૂલ અદાલતોમાં અલગ-અલગ નિર્ણયો લેવાયા હતા, પરંતુ આખરે મામલો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે અરજદારની દલીલો અને કાયદાકીય પાસાઓને માન્ય રાખતા ઠેરવ્યું કે મૃતક મહિલાને મળેલી મિલકત તેના પિયર પક્ષની હતી. જે મહિલા નિ:સંતાન ગુજરી ગઈ હોવાથી કેટલીક કલમ મુજબ તેના પતિને તેમાં કોઈ હિસ્સો મળી શકે નહીં. કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી કે સિવિલ કોર્ટે પણ વર્ષ 2025માં જ અરજદારના પક્ષમાં માલિકી હક જાહેર કરી દીધો હતો. અંતે અદાલતે ચુકાદો આપ્યો કે મૃતક પૌત્રીનો પતિ મિલકતની નોંધણી રદ કરવા સામે કોઈ વાંધો ઉઠાવી શકે નહીં, કારણ કે તેને કાયદેસર રીતે તેની પત્ની પાસેથી આ મિલકતમાં કોઈ માલિકી હક મળ્યો જ નથી.