ટ્રોલિંગનો ડર કે બહેનની ચિંતા? રીત પડ્ડાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ
રણવીર સિંહની બહુચર્ચિત ફિલ્મ 'ધુરંધર' હાલમાં વિવાદોના વંટોળમાં ફસાઈ છે. 'સૈયારા' ફિલ્મથી લોકપ્રિય બનેલી અભિનેત્રી અનીત પડ્ડાની બહેન રીત પડ્ડાએ આ ફિલ્મની આકરી ટીકા કરતા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. રીતે પોતાની પોસ્ટમાં 'ધુરંધર'ની સરખામણી 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ કેરલ સ્ટોરી' જેવી ફિલ્મો સાથે કરી તેને 'પ્રોપેગેન્ડા ફિલ્મ' ગણાવી હતી. રીત પડ્ડાની આ ટીકા બાદ રણવીર સિંહના ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સે તેની ભારે ઝાટકણી કાઢી હતી. પેરિસમાં માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે કાર્યરત રીત સામે લોકોનો રોષ એટલી હદે વધ્યો કે તેને પર્સનલ એટેકનો સામનો કરવો પડ્યો હતો.
વિવાદ માત્ર ફિલ્મની ટીકા સુધી સીમિત રહ્યો ન હતો, સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એવો ગંભીર આરોપ પણ મૂક્યો હતો કે રીત પડ્ડા એક પાકિસ્તાની યુવક ફૈઝલ અહમદ સાથે રિલેશનશિપમાં છે. યુઝર્સના મતે, આ સંબંધોને કારણે જ તે ભારતની રાષ્ટ્રવાદ આધારિત ફિલ્મોને પ્રોપેગેન્ડા ગણાવી રહી છે. જોકે, આ બાબતે રીત કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ચોતરફથી ઘેરાયેલી રીતે આખરે દબાણમાં આવીને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને લિંક્ડઇન પ્રોફાઈલ ડિલીટ કરી દીધા છે.
હાલમાં તેની પ્રોફાઈલ સર્ચ કરતા 'એકાઉન્ટ અસ્તિત્વમાં નથી' તેવો મેસેજ જોવા મળી રહ્યો છે. ટ્રોલિંગ અને પર્સનલ ડેટા લીક થવાના ડરથી તેણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. બોલિવૂડ વર્તુળોમાં એવી ચર્ચા છે કે અનીત પડ્ડા હજુ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. બહેનની એક પોસ્ટને કારણે અનીતની કેરિયરમાં કોઈ અવરોધ ન આવે અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ દુશ્મનાવટ ન થાય તે હેતુથી રીતે વિવાદને શાંત પાડવા પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરી દીધા હોવાની શક્યતા છે.
આ સમગ્ર વિવાદ અને પાકિસ્તાની કનેક્શનના આક્ષેપો અંગે અત્યાર સુધી અનીત પડ્ડા કે તેની બહેન રીત તરફથી કોઈ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર હજુ પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં કેટલાક લોકો અભિવ્યક્તિની આઝાદીની વાત કરી રહ્યા છે તો કેટલાક તેને દેશ વિરોધી માનસિકતા ગણાવી રહ્યા છે.