આંગણવાડી બહેનો હવે ગણશે રખડતા કૂતરા: સરકારના નવા પરિપત્રથી વિરોધનો વંટોળ
સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ રાજ્યમાં રખડતા શ્વાનની સમસ્યાના નિરાકરણ માટે સરકારે કવાયત તેજ કરી છે. જોકે, આ સમસ્યાના ઉકેલ માટેનો પાયાનો ડેટા એટલે કે કૂતરાઓની ગણતરી કરવાની કામગીરી હવે વિવાદનું કેન્દ્ર બની છે, કારણ કે આ જવાબદારી પાયાના સ્તરના સરકારી કર્મચારીઓના માથે નાખવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા રખડતા શ્વાનની સંખ્યા જાણવા માટે આંગણવાડી કાર્યકર બહેનોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ કામગીરી તલાટીઓ અને શિક્ષકોને સોંપવાના પ્રયાસો થયા હતા, પરંતુ તેમના સખત વિરોધ બાદ હવે આ બોજ આંગણવાડી બહેનો પર થોપી દેવાતા કર્મચારી મંડળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કયા સ્થળોએ કરવાની રહેશે ગણતરી?
નવા પરિપત્ર મુજબ, આંગણવાડી બહેનોએ તેમના વિસ્તારમાં આવતા નીચે મુજબના જાહેર સ્થળોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે:
શાળા અને કોલેજો
રેલ્વે સ્ટેશન અને ST બસ સ્ટેન્ડ
ધાર્મિક સ્થળો અને બાગ-બગીચા
કમ્યુનિટી હોલ, ગોડાઉન અને ITI જેવા સરકારી મથકો
આ ગણતરી બાદ તૈયાર કરેલો રિપોર્ટ તાલુકા પશુચિકિત્સા અધિકારીને સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પગાર વધારાને બદલે કામનું ભારણ: આંગણવાડી બહેનોની લડત
છેલ્લા 3 દિવસથી રાજ્યભરની આંગણવાડી બહેનો હડતાળ પર છે. તેમની મુખ્ય માંગણી પગાર વધારાની છે, પરંતુ સરકાર પગાર વધારવાને બદલે સતત નવા કામો સોંપી રહી હોવાનો આક્ષેપ ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોએ ચીમકી આપી છે કે જો સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે અને આવા અસંગત કામો સોંપવાનું બંધ નહીં કરે, તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.
અગાઉ તલાટીઓએ હડતાળની ચીમકી આપતા સરકાર Backfoot પર આવી હતી, ત્યારે હવે જોવાનું એ રહે છે કે આંગણવાડી બહેનોના વિરોધ સામે સરકાર શું વલણ અપનાવે છે.