April 1, 2026
ગુજરાત

ભરૂચના અંકલેશ્વર અને હાંસોટમાં ભારે પવનથી આંબાવાડીઓમાં તારાજી: કેરીના પાકને 80 ટકા નુકસાન

05:08:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભરૂચના અંકલેશ્વર અને હાંસોટમાં ભારે પવનથી આંબાવાડીઓમાં તારાજી:</span> કેરીના પાકને 80 ટકા નુકસાન</strong></p>

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને આંબાવાડીઓમાં ભારે વિનાશના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે ઉનાળાની સિઝન પહેલા જ કેરીના પાકનું નિકંદન નીકળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આંબા પરથી મોર અને મોરવા ખરી પડ્યા 

ગતરોજ બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા ભારે પવનને કારણે અંકલેશ્વર અને હાંસોટ પંથકના આંબાવાડી વિસ્તારોમાં ભારે નુકસાની વેરાઈ છે. પવનની તીવ્રતા એટલી વધુ હતી કે આંબાના ઝાડ પર આવેલા મોટી સંખ્યામાં મોર અને મોરવા (કાચી કેરીઓ) જમીન પર ખરી પડ્યા હતા. આંબા નીચે ઠેરઠેર મોરવા વિખેરાયેલા જોવા મળતા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. માર્ચ મહિનામાં અચાનક આવેલી આ અણધારી આફતે ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આણ્યો છે.

(ખેડૂત)

આવક પર ગંભીર અસર, 80 ટકા નુકસાનનો અંદાજ 

આંબાવાડી ધરાવતા સ્થાનિક ખેડૂત સ્નેહલ મહેતા અને મહાવીર મહેતા સહિતના ધરતીપુત્રોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અચાનક આવેલા આ તોફાની પવનના કારણે કેરીના પાકને 80 ટકાથી વધુ નુકસાન થયું છે. વર્ષભરની મહેનત પર પાણી ફરી વળતા અને ઉનાળામાં કેરીની ઉપજ પર નભતા ખેડૂતોની આવક પર આ નુકસાનીની ગંભીર અસર પડી છે. જેને પગલે અનેક ખેડૂત પરિવારો હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ 

કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોએ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને યોગ્ય વળતર કે સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર તેમને આ આર્થિક નુકસાનમાંથી બહાર આવવા માટે ઝડપથી રાહત આપશે. બીજી તરફ, ખેડૂતો આગામી દિવસોમાં વાતાવરણ સામાન્ય થાય તેવી કુદરત પાસે પણ પ્રાર્થના કરી રહ્યા છે.

(ખેડૂત)