સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલે કર્યા મા અંબાના દર્શન: SOTC ના 'દર્શન' પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ લીધા આશીર્વાદ

પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલે યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જાણીતી ટ્રાવેલ કંપની દ્વારા ટેમ્પલ ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ પામ્યા બાદ તેઓ વિશેષ રૂપે માતાજીના શરણે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સરકારના ટેમ્પલ ટુરિઝમ પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી અને અંબાજી મંદિરના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી.
'દર્શન' પ્રોજેક્ટની જવાબદારી અને મા અંબા પ્રત્યેની અતૂટ આસ્થા
તાજેતરમાં જ જાણીતી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કંપની એસોટીસીદ્વારા દેશભરમાં ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 'દર્શન' નામનું એક સ્પેશિયલ ટેમ્પલ ટુરીઝમ સેગમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ નવા સેગમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અનુરાધા પૌડવાલની નિમણૂક કરવામાં આવી છે. આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી મળતાની સાથે જ તેઓ અંબાજી પહોંચ્યા હતા. અનુરાધા પૌડવાલ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, માતાજીના આશીર્વાદ હંમેશા તેમના પર ગુરુના રૂપમાં રહ્યા છે અને તેઓ પોતાની આસ્થાના પ્રતીક રૂપે વર્ષમાં 2 થી 3 વખત અચૂકપણે અંબાજી દર્શન માટે આવે છે.
મંદિર ટ્રસ્ટની સુવિધાઓ અને સરકારના પ્રયાસોની પ્રશંસા
અંબાજી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વખતે પણ માતાજીના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. આ તકે તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે પૂરી પાડવામાં આવતી ઉત્તમ સુવિધાઓના ખુલ્લા મને વખાણ કર્યા હતા. વધુમાં તેમણે દેશના ધાર્મિક પ્રવાસન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર ભારતમાં ટેમ્પલ ટુરીઝમને વેગ આપવા માટે સરકાર જે રીતે પ્રયાસો કરી રહી છે તે પ્રશંસનીય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકારના આ વિશેષ ધ્યાનને કારણે ભવિષ્યમાં ટેમ્પલ ટુરીઝમ ક્ષેત્રે મોટા અને હકારાત્મક ફેરફારો જોવા મળશે.
વહીવટદાર પાસેથી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની વિશેષ માહિતી મેળવી
પોતાની આ મુલાકાત દરમિયાન અનુરાધા પૌડવાલે અંબાજી મંદિરના વિકાસ કાર્યોમાં પણ ઊંડો રસ દાખવ્યો હતો. અંબાજીના કરોડો રૂપિયાના ખર્ચે થનારા રિડેવલપમેન્ટ બાબતે તેમણે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિરના ભવિષ્યના વિકાસ આયોજનો અને પ્રોજેક્ટ અંગેની વિશેષ માહિતી પ્રાપ્ત કરી હતી.