હરીશ રાણાના 13 વર્ષના સંઘર્ષ અને ઈચ્છામૃત્યુની કાનૂની લડાઈ બાદ શાંત થયા જીવનના ધબકારા
ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતા 31 વર્ષીય હરીશ રાણાએ 13 વર્ષના લાંબા ગાળા સુધી કોમામાં રહ્યા બાદ આ દુનિયાને કાયમી અલવિદા કહ્યું છે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ ખાતે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હરીશ રાણા એવા વ્યક્તિ હતા જેમને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઈચ્છામૃત્યુની ઐતિહાસિક પરવાનગી મળી હતી.
માહિતી અનુસાર, હરીશ રાણાને 14 માર્ચના રોજ ગંભીર હાલતમાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા તબીબી પ્રોટોકોલ મુજબ 15 માર્ચથી તેમનો પ્રવાહી ખોરાક ઘટાડવામાં આવ્યો હતો અને 17 માર્ચથી તેમને પાણી આપવાનું પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું, જે પેસિવ યુથેનેશિયાની પ્રક્રિયાનો એક ભાગ હતો. હરીશ રાણાને ગરિમાપૂર્ણ મૃત્યુ આપવા માટે એઈમ્સના વરિષ્ઠ તબીબો દ્વારા એક વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
ડો. સીમા મિશ્રાના નેતૃત્વમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હરીશના છેલ્લા દિવસોમાં સતત દેખરેખ રાખી રહી હતી. આ પ્રક્રિયા દરમિયાન તેમને અસહ્ય પીડા ન થાય તે માટે પેઈન રિલિફ દવાઓ ચાલુ રાખવામાં આવી હતી. હરીશ રાણાની આ કરુણાંતિકા વર્ષ 2013માં શરૂ થઈ હતી. તે સમયે હરીશ પંજાબ યુનિવર્સિટીમાં B.Techના તેજસ્વી વિદ્યાર્થી હતા. અભ્યાસ દરમિયાન હોસ્ટેલની ચોથા માળની બાલ્કનીમાંથી અચાનક નીચે પડી જવાથી તેમને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે તેમને કાયમી કોમામાં ધકેલી દીધા હતા.
છેલ્લા 13 વર્ષથી હરીશ રાણા માત્ર મશીનો અને કૃત્રિમ પોષણના સહારે જીવિત હતા. તેમના પરિવારે તેમને સાજા કરવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તબીબી રીતે તેમના મગજમાં કોઈ સુધારો થવાની શક્યતા નહિવત હતી.આ લાંબી પીડાનો અંત લાવવા પરિવારે આખરે કાયદાકીય માર્ગ અપનાવ્યો હતો સુપ્રીમ કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવીને હરીશ રાણાને 'પેસિવ યુથેનેશિયા' એટલે કે ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી.
હરીશ રાણાનો આ કિસ્સો ભારતમાં ઈચ્છામૃત્યુ અને પેસિવ યુથેનેશિયાના કાયદાકીય અમલીકરણ માટે ખૂબ જ મહત્વનો સાબિત થયો છે. એઈમ્સના ડોક્ટરોના જણાવ્યા મુજબ, પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા જળવાય તે સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. હરીશના નિધનથી એક લાંબા અને પીડાદાયક પ્રકરણનો અંત આવ્યો છે.