પૈસા, તાકાત અને બરબાદીની કહાની: 'ધૂરંધર 2' બાદ હવે અર્જુન રામપાલ 'બિલિયોનેર'માં દેખાશે, શું તે વિજય માલ્યાનો રોલ ભજવશે?
પ્રખ્યાત દિગ્દર્શક હંસલ મહેતા અને રોબી ગ્રેવાલના સપોર્ટમાં તૈયાર થઈ રહેલી આગામી વેબ સીરીઝ 'બિલિયોનેર' હાલમાં ખાસ્સી ચર્ચામાં છે. આ હાઈ-સ્ટેટસ ડ્રામા સીરીઝમાં બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ એક અત્યંત મહત્વની અને પાવરફુલ ભૂમિકામાં જોવા મળશે. 'ધૂરંધર-2' ની સફળતા બાદ અર્જુન રામપાલ હવે ઓટીટી પર પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. રિપોર્ટ મુજબ, આ વેબ સીરીઝ એક એવા ઉદ્યોગપતિની વાર્તા છે જેની પાસે અઢળક સંપત્તિ અને તાકાત છે, પરંતુ અંતે તેની બરબાદી થાય છે.
જોકે હંસલ મહેતાએ હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી, પરંતુ ચર્ચાઓ એવી છે કે આ વાર્તા ભારતના વિવાદિત બિઝનેસમેન વિજય માલ્યા અથવા લલિત મોદીના જીવન પરથી પ્રેરિત હોઈ શકે છે. આ એક ફોર્મલ બાયોપિક નહીં, પરંતુ અસલ જિંદગીની ઘટનાઓ અને પાત્રો પર આધારિત હાઈ-વોલ્ટેજ ડ્રામા હશે. સીરીઝમાં અર્જુન રામપાલ કયું પાત્ર ભજવશે તેને અત્યારે ગુપ્ત રાખવામાં આવ્યું છે. અભિનેતા તેની સ્ટાઈલિશ પર્સનાલિટી અને ગંભીર અભિનય માટે જાણીતો છે, ત્યારે એક 'બિલિયોનેર' તરીકેનો તેનો લુક પ્રેક્ષકોમાં કુતૂહલ જગાડી રહ્યો છે.
'ધૂરંધર-2' માં રણવીર સિંહ સાથેના તેના કામની પ્રશંસા થયા બાદ, આ નવો પ્રોજેક્ટ તેની કારકિર્દીનો બીજો મોટો વળાંક સાબિત થઈ શકે છે. અર્જુન રામપાલ અત્યારે પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ વ્યસ્ત છે. 'બિલિયોનેર' ઉપરાંત તે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત ઐતિહાસિક ફિલ્મમાં વિલનની ભૂમિકામાં પણ જોવા મળવાનો છે. હંસલ મહેતા, જેઓ અગાઉ જેવી સુપરહિટ સીરીઝ આપી ચૂક્યા છે, તેમના માર્ગદર્શન હેઠળ બની રહેલી આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.