ષડયંત્ર કે સત્ય? ગોપાલ ઈટાલિયાની ધરપકડની તલવાર લટકી, AI જનરેટેડ ઓડિયો ક્લિપના નામે ઈટાલિયાનો પલટવાર!
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસાણાની સિવિલ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ વર્ષ 2020ના એક જૂના કેસમાં ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું છે. કોર્ટના આ આદેશ બાદ મહેસાણા સિટી પોલીસને તાત્કાલિક અસરથી ઈટાલિયાની ધરપકડ કરીને રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ સમગ્ર મામલો ડિસેમ્બર 2020નો છે, જ્યારે મહેસાણામાં પૂર્વ મંજૂરી વિના જાહેર સભા યોજવા અને રસ્તા ચક્કાજામ કરવા બદલ ગોપાલ ઈટાલિયા સામે મહેસાણા સિટી A ડિવિઝન પોલીસ મથકે FIR નોંધવામાં આવી હતી.
આ કેસની તપાસ દરમિયાન કોર્ટમાં હાજર ન રહેવા બદલ થર્ડ એડિશનલ સિવિલ જજ અને JMFC બી.આર. કારિયાની કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણીના માહોલમાં જ આ કાર્યવાહી શરૂ થતા 'આપ' દ્વારા તેને રાજકીય કિન્નાખોરી ગણાવવામાં આવી રહી છે. વોરંટની સાથે જ સોશિયલ મીડિયા પર ગોપાલ ઈટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેણે વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ ઓડિયોમાં કોઈ 'જીતુભાઈ' નામની વ્યક્તિ સાથેની વાતચીતમાં પોલીસ તપાસ અને પરિવારને હેરાન કરવાના આક્ષેપો કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા થતી સંભળાય છે.
આ ઓડિયો વાયરલ થતા જ વિપક્ષોએ ઈટાલિયા પર જનતાની સહાનુભૂતિ મેળવવા માટેના ગતકડાં કરવાનો આરોપ લગાવ્યો છે. વાયરલ ઓડિયો અંગે ખુલાસો કરતા ગોપાલ ઈટાલિયાએ તેને સદંતર નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઓડિયો ક્લિપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવી છે અને તેમને ફસાવવાનું આ એક મોટું રાજકીય ષડયંત્ર છે. પોતે ભૂતપૂર્વ પોલીસકર્મી અને વકીલ હોવાથી કાયદાકીય પ્રક્રિયાઓથી વાકેફ હોવાનું જણાવી તેમણે દાવો કર્યો હતો કે વિરોધીઓ તેમની લોકપ્રિયતાથી ડરીને આવા હીન પ્રયાસો કરી રહ્યા છે.
હાલમાં મહેસાણા પોલીસ દ્વારા વોરંટની બજવણી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જેલ જવાથી ડરતા નથી અને કાયદાકીય લડત ચાલુ રાખશે. બીજી તરફ, ચૂંટણી પહેલા જ સર્જાયેલી આ ધરપકડની સ્થિતિ અને AI ઓડિયોના વિવાદે મતદારોમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના પેદા કરી છે.