અરવલ્લી જિલ્લામાં પંચાયતોની ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગની અનોખી પહેલ : પંચાયત ચૂંટણીમાં ઉમેદવારો માટે QR કોડ સ્કેનર સિસ્ટમ કાર્યરત

અરવલ્લી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની પંચાયત ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા એક પહેલ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા અને ઉમેદવારોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ‘QR કોડ’ આધારિત માહિતી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ ડિજિટલ પહેલ દ્વારા ઉમેદવારો હવે માત્ર એક સ્કેન દ્વારા ફોર્મ ભરવાથી લઈને તમામ જરૂરી દસ્તાવેજોની વિગતો મેળવી શકશે.
એક જ ક્લિક પર મળશે તમામ કાનૂની અને વહીવટી માહિતી
સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરતી વખતે કયા દસ્તાવેજો જોડવા, કયા સોગંદનામા તૈયાર કરવા અને ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકાઓ શું છે તે જાણવા માટે ઉમેદવારોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી અને અન્ય સંબંધિત સરકારી કચેરીઓ ખાતે વિશેષ QR કોડ સ્કેનર લગાવવામાં આવ્યા છે. ઉમેદવારો તેમના મોબાઈલ ફોનથી આ કોડ સ્કેન કરતાની સાથે જ ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઈટ અને કચેરીના નોટિસ બોર્ડ પરની તમામ વિગતો સીધી જ તેમના ફોન પર જોઈ શકશે.
દસ્તાવેજોની ચકાસણી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે સરળ
આ નવતર પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમેદવારી પત્ર ભરતી વખતે થતી ભૂલો ઘટાડવાનો છે. QR કોડ સ્કેન કરતા જ ઉમેદવારને ફોર્મ સાથે કયા પુરાવા જોડવાના છે, કેવી વિગતો ફરજિયાત છે અને કયા નિયમોનું પાલન કરવાનું છે તેની સંપૂર્ણ યાદી સરળ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવાઈ છે. આનાથી ઉમેદવારોનો સમય બચશે અને વહીવટી કામગીરીમાં પણ ઝડપ આવશે. ગ્રામ્ય સ્તરના ઉમેદવારો માટે પણ આ સિસ્ટમ અત્યંત અનુકૂળ સાબિત થઈ રહી છે.
પારદર્શિતા અને ટેકનોલોજીનો સમન્વય
જિલ્લા વહીવટી તંત્રની આ પહેલથી ચૂંટણી પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ ઘટશે અને માહિતીના પ્રસારમાં સચોટતા આવશે. ચૂંટણી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ દ્વારા સરકારી માહિતીને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય વધુ ગતિશીલ બન્યું છે. નોટિસ બોર્ડ પરની માહિતી ઘણીવાર ભીડને કારણે વાંચવી મુશ્કેલ હોય છે, પરંતુ હવે આ વિગતો ઉમેદવારોના મોબાઈલમાં હોવાથી તેઓ ગમે ત્યારે તેનો અભ્યાસ કરી શકશે.