રેલવે ટ્રેક ક્રોસિંગ અકસ્માતો અટકાવવા મિશન મોડ: માત્ર 12 કલાકમાં ઇન્સ્ટોલ થશે પ્રી-ફેબ્રિકેટેડ સબવે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હી ખાતે અધિકારીઓ સાથે યોજેલી વર્કશોપમાં ટ્રેકની આસપાસ વસતા લોકોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ અંડરપાસ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી વ્યાપક સૂચનાઓ આપી છે.
વસાહતો અને સુવિધાઓને જોડતા ખાસ અંડરપાસ બનશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જ્યાં રેલવે ટ્રેકની એક બાજુ માનવ વસાહતો છે અને બીજી બાજુ ખેતરો, શાળાઓ, સ્મશાનગૃહો કે અન્ય મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે, ત્યાં જનતાની સરળતા માટે ખાસ રેલવે પુલ અથવા સબવે બનાવવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ લોકોને સુરક્ષિત અને અવિરત પરિવહન પૂરું પાડવાનો છે.
વાહનોની અવરજવર માટે અનુકૂળ ડિઝાઇન
આ પુલ કે સબવેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે કે લોકો કોઈપણ જાતના ખચકાટ વિના તેનો ઉપયોગ કરી શકે. લોકો પોતાની સાયકલ, મોટરસાયકલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સાથે સરળતાથી આ સબવેમાંથી પસાર થઈ શકશે. રેલવેની આ સુરક્ષાલક્ષી પહેલ દેશની મોટી વસ્તી માટે જીવનરક્ષક સાબિત થશે.
માત્ર 12 કલાકમાં ઇન્સ્ટોલ થશે પ્રી-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર
રેલવેની આ નવી કાર્યયોજના અંતર્ગત, પુલનું માળખું પહેલેથી જ ફેક્ટરીમાં પ્રી-ફેબ્રિકેટ (તૈયાર) કરવામાં આવશે. ત્યારબાદ તેને નિર્ધારિત સ્થળ પર લાવીને સીધું ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ટ્રેક પર વાહનવ્યવહારને "બ્લોક" કરવામાં આવશે. ટ્રેક કાપીને તૈયાર પુલ ગોઠવવામાં આવશે અને માત્ર 12 કલાકના રેકોર્ડ સમયમાં તેને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.
પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ અને 5 થી 6 વર્ષનો ટાર્ગેટ
રેલવે મંત્રીએ અધિકારીઓને ખાસ નિર્દેશ આપ્યો છે કે કલ્વર્ટ અને સબવેની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે કે જેથી ચોમાસા દરમિયાન તેમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ ન સર્જાય અને તેની લાંબા ગાળાની અસરકારકતા જળવાઈ રહે. તેમણે આગામી 5 થી 6 વર્ષમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા લક્ષ્યાંક આપ્યો છે.