April 10, 2026
ક્રાઈમ

બુટલેગરની સ્પેશિયલ સીટ: કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો કાસિન્દ્રા પોલીસની નજરે ચડી ગયો!

03:21:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બુટલેગરની સ્પેશિયલ સીટ: </strong></span>કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો કાસિન્દ્રા પોલીસની નજરે ચડી ગયો!</p>

અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે દસ્ક્રોઈ તાલુકાના કાસિન્દ્રા ગામની સીમમાં સફળ દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીવાળી કારને આંતરી તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે એક શખ્સની સ્થળ પરથી ધરપકડ કરી છે. અસલાલી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, મોન્ટુ ચુનારા નામનો શખ્સ કાસિન્દ્રા સીમમાં રેલવે બ્રિજના નાળા પાસે કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવવાનો છે.

આ બાતમી મળતા જ પોલીસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન કાસિન્દ્રા ગામ તરફના કાચા રસ્તા પરથી એક શંકાસ્પદ કાર આવતી જણાઈ હતી. પોલીસે તુરંત જ ઘેરો ઘાલી કારને અટકાવી હતી. કાર ચલાવી રહેલા 28 વર્ષીય મહેશ ભવાનભાઈ ઠાકોર (રહે. કાસિન્દ્રા) ને પોલીસે ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ ડ્રાઈવર ગભરાઈ ગયો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે કારની સઘન તલાશી લેતા પાછળની સીટના ભાગે મીણિયાની ચાર થેલીઓ સંતાડેલી હાલતમાં મળી આવી હતી.

આ થેલીઓ ખોલીને તપાસતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 180 બોટલો મળી આવી હતી. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે સીટની પાછળ ખૂબ જ ચાલાકીપૂર્વક આ જથ્થો છુપાવ્યો હતો. ઝડપાયેલા આરોપી મહેશ ઠાકોરની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો કાસિન્દ્રાના જ મોન્ટુ ચુનારાનો છે. મોન્ટુના કહેવાથી જ તે કાર લઈને રેલવે બ્રિજના નાળા પાસે પહોંચ્યો હતો, જ્યાંથી મોન્ટુ અને તેનો સાથીદાર પપ્પુ (ફત્યો) ચુનારા આ માલ રીસીવ કરીને આગળ સપ્લાય કરવાના હતા.

પોલીસે આ મામલે મહેશ ઠાકોર, મોન્ટુ ચુનારા અને પપ્પુ ચુનારા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં મુખ્ય સૂત્રધાર મોન્ટુ અને પપ્પુ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ તપાસ ચાલુ છે