ATM પર મદદ લેવી પડી ભારે, ગોંડલમાં મહિલા કર્મચારીનું કાર્ડ બદલી ગઠિયો હજારો રૂપિયા લઈ છનનન
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ATM મશીન પર પૈસા ઉપાડવા ગયેલા એક મહિલા કર્મચારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. મદદ કરવાના બહાને આવેલા એક અજાણ્યા ગઠિયાએ સિફતપૂર્વક ATM કાર્ડ બદલી નાખી મહિલાના ખાતામાંથી રૂ. 40,000 ઉપાડી લીધા હતા. આ અંગે ગોંડલ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોંડલમાં બાપા સીતારામ ચોક પાસે મોહન પાર્કમાં રહેતા અને ગોંડલ નગરપાલિકામાં ફરજ બજાવતા રશીલાબેન કાંતીભાઇ રૈયાણી (ઉ.વ. 57) ગતરોજ કડિયા લાઇન પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM સેન્ટર પર પૈસા ઉપાડવા ગયા હતા.
મશીનમાં કાર્ડ નાખ્યા બાદ ટેકનિકલ કારણોસર પૈસા ન ઉપડતા, તેમની પાછળ ઉભેલા એક અજાણ્યા શખ્સે મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. અજાણ્યા શખ્સે રશીલાબેન પાસેથી કાર્ડ મેળવી "હું તમને પૈસા ઉપાડી દઉં" તેમ કહી ત્રણ-ચાર વખત પ્રયત્ન કર્યો હતો. પૈસા ન ઉપડતા ગઠિયાએ રશીલાબેનને તેમનું કાર્ડ હોવાનું કહી બીજું કોઈ કાર્ડ પધરાવી દીધું હતું અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. થોડીવાર બાદ રશીલાબેને બેંકમાં જઈ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમની પાસે જે કાર્ડ છે તે અન્ય કોઈ વ્યક્તિનું છે.
આ દરમિયાન તેમના મોબાઈલ પર ખાતામાંથી રૂ. 40,000 ઉપડ્યા હોવાનો મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોંડલ પોલીસે રશીલાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ATM સેન્ટરના CCTV ફૂટેજ મેળવી ગઠિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ATM પર અજાણ્યા વ્યક્તિની મદદ લેવાનું ટાળવું અને પોતાનો પિન નંબર કે કાર્ડ કોઈને આપવું નહીં.